Press "Enter" to skip to content

માણસ ઉર્ફે

માણસ શું છે ? માણસ નામની આ ઘટનાને જુદી જુદી વ્યક્ત કરી શકાય એમ છે. ક્યાંક એ રેતી બની વિખેરાતો હોય છે, ક્યારેક સમંદર બની લહેરાતો હોય છે, ક્યારેક કોઈની યાદમાં ખોવાઈ ગયેલો હોય છે. એની આંખોમાં સમયના વિવિધ રંગો ખુલ્લી બારીમાં પલટાતાં દૃશ્યોની જેમ પલટાતાં રહે છે. નયન દેસાઈની આ કૃતિ એના શબ્દલાલિત્યને લીધે સુંદર બની છે, અલગ તરી આવે છે અને વારંવાર માણવાનું મન થાય એવી છે. તો આજે માણો માણસ ઉર્ફે (એટલે) …. અને એના કોઈ શબ્દમાં આપણી જાતનું પ્રતિબિંબ …
*
સ્વર- આશિત અને હેમા દેસાઈ

*
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણઝારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો શમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

– નયન દેસાઈ

4 Comments

  1. pragnaju
    pragnaju November 22, 2008

    છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
    ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

    મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
    પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

    વાહ્

  2. Upasana
    Upasana November 23, 2008

    બહોત ખૂબ ! શબ્દોની અદભૂત રમત – ગાયકીની અદભૂત કમાલ.
    ધન્યવાદ.

  3. ચાલો સૌ આ સંબંધોની વણઝારોને બીજે રસ્તે વાળી દઈએ,
    સંબંધો શમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

    ખુબ સરસ, વાહ, મજા આવી ગઇ. આભાર

  4. ATUL
    ATUL November 26, 2008

    ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
    દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

    સુંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.