Press "Enter" to skip to content

શિવ સ્તુતિ


આજે મહાશિવરાત્રી છે. તો એ નિમિત્તે શ્રી યોગેશ્વરજી રચિત ભગવાન શિવની સુંદર સ્તુતિ સાંભળીએ.
*
આલ્બમ: વંદે સદાશિવમ; સ્વર: આશિત અને હેમા દેસાઈ

*
સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે,
શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે.
પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

નથી ઐશ્વર્યની તુલના, પતિ બ્રહ્માંડના જે છે,
મધુર છે રૂપ જેનું તોય ત્યાગી રૂપમાં રહે છે.
સદાયે સિદ્ધ ને યોગીન્દ્ર જેને પૂજતા લાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

મહાકૈલાસના વાસી વળી આત્મા તણા રાગી,
ભર્યા કરુણા થકી ત્યાગી, છતાંયે ખૂબ વરણાગી.
બધીયે રિદ્ધિ સિદ્ધિ ભુક્તિ મુક્તિ ભક્ત પર નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

જગત કલ્યાણ કાજે જે હરખતાં નીલકંઠ થયા,
અનંગ કર્યો રતિસ્વામી, ઉમાની સાથ તોય રહ્યા.
ચરણ એ દેવ મારા મસ્તકે મધુરાં સદા રાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

તમે ના હોત તો ગંગા મળત ના મર્ત્ય આ જગને,
તમે ઝીલી શક્યા તેને જટામાં દિવ્યશક્તિ એ.
લભી તે દિવસથી ગંગા કરે છે પુણ્યમય લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

કરી મજ્જન અને જલપાન લોકો પુણ્ય મેળવતા,
બની ઐશ્વર્યશાળી ને સુખી ને વૈભવી બનતા.
બને છે દૂત યમના જેમની પાસે ખરે માખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

કહે છે મૂર્ખ માનવ જડ તમોને તે કહે છોને,
નિહાળી પ્રેમ હાલો છો, વળી બોલો મધુર બોલે.
નથી વિશ્વાસ પણ જગને, જગતમાં લાખ છે શાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

કરે જો પ્રાર્થના ભાવે, ભજે તમને સદા રાગે,
બને ના તો તમારૂં રૂપ પ્રેમી પાસ ના જાગે.
ભગતનો વ્યાજ સાથે પ્રેમ વાળી દો તમે આખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

મહા ત્યાગી છતાંય ઉમા કરે સેવા તમારી તો,
વળી બ્રહ્માંડના પતિ છો, છતાં એકાંતવાસી છો.
ન સમજે મૂર્ખ જન તમને, મને ના ભ્રાંતિમાં નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

તમારી હો કૃપા મંગલમયી એ એક આશા છે,
ઉમા-શંકર તમારા દ્રષ્ટિ સુખની ફક્ત આશા છે.
સુણી પોકાર મારો આવજો પ્રેમે કરી પાંખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

– શ્રી યોગેશ્વરજી (સાભાર સ્વર્ગારોહણ)

5 Comments

 1. Dr.Hitesh Chauhan
  Dr.Hitesh Chauhan February 23, 2009

  જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ
  આપ સર્વેને પણ શુભ અને મંગલકારી મહાશિવરાત્રી.ભોળાનાથની કૃપા હંમેશા બની રહે.
  આપનો ડો.હિતેશ ચૌહાણ

 2. pragnaju
  pragnaju February 23, 2009

  ૐ નમઃ શિવાય.

 3. Kanchankumari Parmar
  Kanchankumari Parmar August 2, 2009

  પવિત્ર દિવસોમાં પાવન થઈ ગયા. ખુબ ખુબ આભાર….

 4. Chaula Gundavda
  Chaula Gundavda January 13, 2010

  ઓમ નમો શિવાય. ખુબ સુન્દર.

 5. Kedarsinhji M jadeja
  Kedarsinhji M jadeja December 28, 2010

  બહુ નામી શિવ સાખી..
  કર ત્રિશુલ શશી શીશ, ગલ મુંડન કી માલા
  કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હીમાલા…
  ત્રિનેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય
  સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…

  શિવ શંકર સુખકારી ભોલે…
  મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..

  ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, સોભે શિવ ત્રિપુરારી
  ડમ ડમ ડમ ડમ ડમરૂ બાજે, ભુત પિશાચ સે યારી…ભોલે..

  ગંગા ગહેના શિર પર પહેના, ભૂજંગ ભૂષન ભારી
  બાંકો સોહે સોમ સુલપાની, ભસ્મ લગાવત ભારી…ભોલે…

  વ્યાઘંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
  વ્રષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે…

  મૂખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
  મ્રુત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મ્રુગ ચ્રર્મ ધારી…ભોલે….

  ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભુતેશ ભક્ત હિત કારી
  દાસ “કેદાર” કેદાર નાથ તું, બેજનાથ બલીહારી…..ભોલે…

  – કેદારસિંહ્જી મે.જાડેજા
  ગાંધીધામ-ક્ચ્છ.(૯૪૨૬૧૪૦૩૬૦)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.