સાંજ પડતાં પ્રિયતમાને એના પ્રિયતમની યાદ સતાવે છે. વિરહથી વ્યાકુળ એવી પ્રિયતમાને ગગનમાં ચંદ્રમા ઉગેલો જોતાં મિલનના મધુર સ્વપ્નો સાકાર થતાં લાગે છે. અભિસારની એ રાત્રિની મધુર કલ્પના મનને તરબતર કરે છે એથી એ સૂરજને કહે છે કે હમણાં આવવાનું નામ ન લે. તો બીજી તરફ જે પ્રેમી પંખીડાઓ મિલનની મધુર પળોને માણે છે એમને સૂરજના આગમનથી એમના મધુરા મિલનનો અંત આવે એ કલ્પના નથી ગમતી એથી તેઓ પણ સૂરજને ન આવવા કહે છે. પ્રેમી અને વિરહીઓના ભાવોને સુંદર રીતે આકાર આપતું આ મધુરું ગીત સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં.
*
*
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો
તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તું ગિરધર મારો
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો
આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી
જોજે વીખાય નહીં શમણાનો માળો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો
દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો