અનુભૂતિના અજવાસનું અદભુત વર્ણન. અજ્ઞાનનું ઘેરાયેલ આકાશ જ્યારે જ્ઞાનની કૂંચીથી ઊઘડી જાય ત્યારે ચરાચરમાં વ્યાપક એવા વિભુનું દર્શન થાય. શ્વાસ અને ઉચ્છવાસ સાથે પ્રાણની આવનજાવન નહીં પણ જન્મ જન્માંતરની સ્મૃતિઓના પડદા ભેદાય, અને કમળને જો યોગના ગ્રંથોમાં વર્ણવેલ ચક્રની સાથે સરખાવીએ તો આખું સરોવરનું ઉઘડવું અનુભૂતિની વ્યાપકતાને કેટલી બખૂબીથી દર્શાવે છે. શબ્દોની હથોડીથી આવા સુંદર ભાવોનું સર્જન કરનાર શિલ્પી રાજેન્દ્ર શુકલની રચના આજે માણીએ એમના પોતાના સ્વરમાં અને એ ભાવનો અનુભવ કરીએ.
*
*
ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.
પ્હેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઊઘડે,
કમળ જ નહીં, આખું સ્વયં જાણે સરોવર ઊઘડે.
આ શ્વાસ ને ઉચ્છવાસ સાથે કોણ મંથર ઊઘડે,
કે જન્મ જન્માન્તર બધાં આ થર પછી થર ઊઘડે.
રેલાય કેવળ એકધારો સ્વર મધુર આરંભનો,
કોની પુરાતન ઝંખના, આ દ્વાર જાજર ઊઘડે.
ઊભો સમય થિર આંખમાં થંભી ગઇ સહુ પરકમા,
હું ઊઘડું ઉંબર ઉપર, સામે ચરાચર ઊઘડે.
– રાજેન્દ્ર શુકલ
વિદ્વત્તાપૂર્ણ આ કાવ્ય ગમ્યું. સાભાર અભિનંદન !
પ્રણિપાતેન
જેમણે તેના અણસારની અનુભૂતિ કરી છે
પરમની કૃપાથી સહજ લખાઈ ગયેલી વાત
આ શ્વાસ ને ઉચ્છવાસ સાથે કોણ મંથર ઊઘડે,
કે જન્મ જન્માન્તર બધાં આ થર પછી થર ઊઘડે.
રેલાય કેવળ એકધારો સ્વર મધુર આરંભનો,
કોની પુરાતન ઝંખના, આ દ્વાર જાજર ઊઘડે.
ઊભો સમય થિર આંખમાં થંભી ગઇ સહુ પરકમા,
હું ઊઘડું ઉંબર ઉપર, સામે ચરાચર ઊઘડે.
કૃપાપાત્ર બનાવે તેવી પ્રાર્થના સાથે