Press "Enter" to skip to content

સામે નથી કોઈ


જેના એક એક શેરમાં ભારોભાર વજન છે એવી પ્રેમમાં પડ્યા પછીની દશાનું વર્ણન કરતી સૈફ પાલનપુરીની એક સુંદર રચના.
*
સ્વર – મનહર ઉધાસ, આલ્બમ: અનુરાગ

*
અમુક રીતે જો ઉચ્ચારે છે મારું નામ કોઈ તો,
કોઈ નિસ્બત નથી હોતી છતાં શરમાઈ જાઉં છું,
તમારું નામ લે છે જ્યારે કોઈ પારકા હોઠો,
કોઈ બાબત નથી હોતી છતાં વહેમાઈ જાઉં છું.
*
સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું.

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સીફતથી હું વગોવાઈ રહ્યો છું.

કહેવું છે પણ ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

– સૈફ પાલનપુરી

3 Comments

  1. Prakash Gyanchandani
    Prakash Gyanchandani February 24, 2011

    ખુબ સરસ

  2. કુણાલ
    કુણાલ March 27, 2009

    આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો
    ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

    મજાનો શેર ..

    સુંદર ગઝલ ..

  3. એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો
    આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

    મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
    આ કેવી સીફતથી હું વગોવાઈ રહ્યો છું.

    ખૂબ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.