પ્રેમનો અનુભવ કદી એકસરખો હોતો નથી. કોઈકને એમાં પળ મળે, કોઈને એમાં છળ મળે તો કોઈને ઝળહળ મળે. અહીં એવા અનોખા પ્રેમની કહાની છે જેમાં પ્રેમની પ્રગાઢતામાં અપાયેલ વચનો મૃગજળ સમા નીવડ્યા છે. આંખોમાં આંખ પરોવીને એકબીજાને એમ કહેનાર કે હું કદી નહીં ભૂલું, તું જ ભૂલી જઈશ … એવું કહેનાર જ ભૂલી જાય. માણો કૈલાશ પંડીતની સુંદર રચના.
*
સ્વર – મનહર ઉધાસ અને અનુરાધા પૌંડ્રવાલ, આલ્બમ: આભૂષણ
*
ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.
પૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!
ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને.
ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને
થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને
– કૈલાશ પંડીત
5 Comments