*
રસ્તા ઉપર ચાલો ત્યારે વચ્ચે ખાડા આવે છે,
સુખની સાથે એવી રીતે દુઃખના દા’ડા આવે છે.
આંસુને ઉધેઈ ગણો કે કીડી મંકોડાની જાત?
એક નીકળે એની પાછળ ધાડેધાડા આવે છે.
જીવનમાં મોકો આપીને જેને આગળ બેસાડો,
એજ પછી આગળ જોવામાં તમને આડા આવે છે.
જ્યારે જ્યારે નામ લખું હું મારી ‘મા’નું કાગળમાં,
પેન ગમે તેવી હો તોયે અક્ષર જાડા આવે છે.
એક વખત એને ‘ચાતક’ આપ્યું’તું રહેવા દિલ મારું,
આજ લગી એની યાદો ભરવાને ભાડા આવે છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above: A Painting by Donald Zolan]
“જીવનમાં મોકો આપીને જેને આગળ બેસાડો,
એજ પછી આગળ જોવામાં તમને આડા આવે છે. ”
અપ્રતિમ! જિંદગીની તડકી-છાંયડીઓને જેણે બહુ સારી રીતે પચાવી જાણી હોય એ જ આટલું સુંદર લખી શકે! ખૂબ સરસ લખો છો દક્ષેશભાઈ!
૭૦૦ પોસ્ટ્સનો આંકડો સ્પર્શવા માટે આપને અનેકાનેક અભિનંદન!
ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ
Loved it.
Thank you Bharatbhai. Happy that you liked it.