Press "Enter" to skip to content

Tag: ગુજરાતી ગઝલ

ઈશ્વર


*
તારા લીધે બધાંને લોચો પડે છે ઈશ્વર,
તારો જ ક્લાસ ને તું મોડો પડે છે, ઈશ્વર?

દુનિયાના હાલ જોઈ, આવે વિચાર મનમાં?
તું તારી હેસિયતથી મોટો પડે છે ઈશ્વર !

એવું નથી કે કાયમ અટકે છે કામ મારાં,
શ્રદ્ધાની સામે મારી ટૂંકો પડે છે ઈશ્વર.

કાચા કે પાકા જોયા વિના જ વેડી નાખે,
લાગે છે આવડતમાં કાચો પડે છે ઈશ્વર.

વાદળને જોઈને એ આવ્યો વિચાર મનમાં,
તારી ય આંખથી શું છાંટો પડે છે ઈશ્વર?

જેવી રીતે ફળે છે વહેલી સવારના કૈં,
સપનાંની જેમ તું પણ સાચો પડે છે ઈશ્વર?

સેલ્ફીનો છે જમાનો, એકાદ ફોન લઈ લે,
પાડીને જો કે તારો ફોટો પડે છે ઈશ્વર?

આજે હું મારી ‘મા’ના જોઈ રહ્યો તો ફોટા,
તું પણ સમયની સાથે ઝાંખો પડે છે ઈશ્વર?

એકસો ને આઠ મણકા, એકસો ને આઠ નંબર,
તું પણ ઝડપની બાબત ખોટો પડે છે ઈશ્વર?

દોડીને આવ જલદી ‘ચાતક’ની પ્રાર્થનાથી,
તારાય માર્ગમાં શું કાંટો પડે છે ઈશ્વર?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

3 Comments

અવાજ


*
સ્વર : મનહર ઉધાસ

*
આંખો રડી પડી અને રેલાય છે અવાજ
છે બંધ હોઠ તોય વહી જાય છે અવાજ

બોલ્યા તમે એ વાતને વર્ષો થઇ ગયા
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ

હોઠોનું સ્મિત આંખના મદમસ્ત ઇશારા
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ

છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ

દિલની દિવાલો ગુજંતી થઇ જાય છે ‘મહેંક’
જો એની યાદનો કદી અથડાય છે અવાજ

– મહેંક ટંકારવી

5 Comments

મને રુદન દેજે

[ ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે. ]

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની,
રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે.

– નાઝિર દેખૈયા

9 Comments

કરતા રહો

[ આજે મારી ડાયરીમાં ઘણાં વખત પહેલા ટપકાવેલી એક ગઝલ રજૂ કરું છું. ‘જે સારું મળે એ ગ્રહણ કરતા રહો’ – એ ઉપનિષદિક ઉપદેશથી પ્રારંભ થતી આ કૃતિ આગળ વધતાં સુંદર રીતે પાંગરે છે અને છેલ્લે એની ટોચ પર પહોંચે છે. કેટલાય સંબંધો એવા હોય છે જે હૃદયની પેટીમાં સલામત રહે છે, કદી હોઠ પર આવતા નથી. એને અભિવ્યક્ત કરવા માટે ‘ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો’ … કેટલું સુંદર રીતે કહેવાયું છે ! ]

બેસી નિરાંતે બે ઘડી પૃથ્થકરણ કરતા રહો,
જે પણ મળે સારું, સતત ગ્રહણ કરતા રહો.

એ ભ્રમ કદી ન પાળો, આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી, જો વિસ્તરણ કરતા રહો.

જેની ઉપર ના હક હતો, ના છે, ના કદી બનવાનો,
મનમાં નિરંતર એ વ્યક્તિનું સ્મરણ કરતા રહો.

આ પ્રેમ નામના ગ્રંથનો ફેલાવ વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે, તો સંસ્કરણ કરતા રહો.

પીંડને ફરતે ત્વચા ને રક્ત-અસ્થિ-વસ્ત્ર હો,
અહીં તો પહેલેથી રૂઢિ છે, આવરણ કરતા રહો.

એ નામ અગર લખવું મુમકિન નથી, કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.

– હીતેન આનંદપરા

3 Comments

ફૂલ કેરા સ્પર્શથી


આપણે ગુજરાતીમાં કહેવત છે કે ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ’. જ્યારે વ્યક્તિને સંબંધોમાંથી દર્દ મળે, ઉઝરડા થાય ત્યારે તે બધા તરફ જ શંકાની નજરે જોવા માંડે, એનો પ્રેમ પરથી, સંબંધ પરથી વિશ્વાસ જ ઉઠી જાય. અહીં સૈફ એવા જ કોઈ દર્દને યાદ કરે છે. ગઝલની છેલ્લી બે પંક્તિઓ મારી મનગમતી છે..આદતથી મજબૂર, એક રૂઢિ કે પ્રણાલિમાં બંધાઈને ગઝલો લખાય કે ગવાય પણ એ પ્રમાણે જીવવું અતિ દોહ્યલું છે. જીવન અને કવન વચ્ચેના વિરોધાભાસનો સ્વીકાર કોઈ સૈફ જેવો જીંદાદિલ શાયર જ કરી શકે.
*
સ્વર – મનહર ઉધાસ

*
ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
અને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે

કેટલો નજદીક છે આ દૂરનો સબંધ પણ
હું હસું છું એકલો એ એકલા શરમાય છે

કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો,
એક મૃત્યુ કેટલા મૃત્યુ નભાવી જાય છે.

આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે

એક પ્રણાલીકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હું
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં હવે જીવાય છે ?

– સૈફ પાલનપુરી

2 Comments

નથી હોતી

[ ‘બેફામ’ની આ રચનાના કેટલાક શેર ખૂબ સરસ છે. મારી ડાયરીમાં વરસો સુધી ‘સફળતા જીંદગીની હસ્તરેખામાં નથી હોતી …’ પહેલા પાને લખાયેલું રહ્યું, હજુ છે. પુરુષાર્થનો મહિમા એમાં કેટલી સુંદર રીતે અભિવ્યક્ત થયો છે ! વળી આ રચનાની અંતિમ બે પંક્તિઓ પણ ઘણું કહી જાય છે. દરેક કવિની રચના અલગ હોય છે, કારણ દરેકનું દર્દ અલગ હોય છે. કેટલું સુંદર ! ]

સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહીં તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારાં થયાં નહીં તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વીતાવું હું ?
કે મારી જીંદગી પણ મારા કબજામાં નથી હોતી.

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

– બેફામ (બરકત વીરાણી)

4 Comments