Press "Enter" to skip to content

નથી હોતી

[ ‘બેફામ’ની આ રચનાના કેટલાક શેર ખૂબ સરસ છે. મારી ડાયરીમાં વરસો સુધી ‘સફળતા જીંદગીની હસ્તરેખામાં નથી હોતી …’ પહેલા પાને લખાયેલું રહ્યું, હજુ છે. પુરુષાર્થનો મહિમા એમાં કેટલી સુંદર રીતે અભિવ્યક્ત થયો છે ! વળી આ રચનાની અંતિમ બે પંક્તિઓ પણ ઘણું કહી જાય છે. દરેક કવિની રચના અલગ હોય છે, કારણ દરેકનું દર્દ અલગ હોય છે. કેટલું સુંદર ! ]

સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહીં તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારાં થયાં નહીં તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વીતાવું હું ?
કે મારી જીંદગી પણ મારા કબજામાં નથી હોતી.

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

– બેફામ (બરકત વીરાણી)

4 Comments

  1. Ashwin-Sonal
    Ashwin-Sonal July 14, 2008

    વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
    અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?

    સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
    ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

    બહુ સરસ મજા આવી ગઈ. વાહ ભાઈ વાહ.

  2. Jayshree
    Jayshree July 15, 2008

    One Correction :

    [ મરીઝની આ રચનાના કેટલાક શેર ખૂબ સરસ છે. મારી ડાયરીમાં વરસો સુધી ‘સફળતા જીંદગીની હસ્તરેખામાં નથી હોતી ……

    It should be બેફામની આ રચનાના…. as noted at the end of Gazal.

    આજ છંદ અને રદીફ પર આધારિત એક ગઝલ ‘મરીઝ’ની પણ છે:

    બનાવટ ને નકલ દુનિયામાં પાંગરતી નથી હોતી,
    કે નક્શાના સમંદરમાં કદી ભરતી નથી હોતી.

    Reference :
    http://layastaro.com/?p=396

  3. admin
    admin July 15, 2008

    જયશ્રીબેન,
    ભૂલ ધ્યાન પર લાવવા બદલ આભાર. એનાથી એટલી ધરપત થઈ કે તમારા જેવા એને રસથી વાંચે તો છે. Thank you.

  4. Prakash Patel
    Prakash Patel May 8, 2010

    મરીઝની રચનાઓ એ ઘણાં લોકોને જીવન જીવવા માટે પ્રેરક બળ આપ્યું હશે … lots Offfffff

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.