Press "Enter" to skip to content

મીતિક્ષા.કોમ Posts

તારું જ નામ છે


સૌ વાચકમિત્રોને વસંતપંચમી અને વેલેન્ટાઈનની સહિયારી શુભેચ્છાઓ..
*
સેંથી અને ગુલાબમાં તારું જ નામ છે,
લોહી અને શરાબમાં તારું જ નામ છે.

જેને લખ્યા પછી લખ્યું બીજું નથી કશું,
અંગત હૃદય-કિતાબમાં તારું જ નામ છે.

આંખોની આરપાર એ નીકળી શક્યું નહીં,
ખૂંપી ગયેલ ખ્વાબમાં તારું જ નામ છે.

હોઠો ને શ્વાસનો ભલે તાળો મળ્યો નથી,
બાકી બધા હિસાબમાં તારું જ નામ છે.

જેના થકી છુપાવું છું દુનિયાથી હું મને,
હિજાબ કે નકાબમાં તારું જ નામ છે.

કોને મળ્યા પછી થયા ‘ચાતક’ તમે કવિ?
પૂછે, તો બસ જવાબમાં તારું જ નામ છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above: A Painting by Donald Zolan]

Leave a Comment

ઉત્તરવહી ખેંચાઈ ગઈ!


[Painting by Donald Zolan]
સહુ વાચકમિત્રોને ઈસુના નવા વર્ષની શુભકામનાઓ.
*
કેશની મહેંદી અમસ્તી હાથમાં મુકાઈ ગઈ !
કેટલા વરસોની ખાઈ ક્ષણમહીં પુરાઈ ગઈ !

વેચવા હું તો ગયો તો ફક્ત ત્યાં મારી કલા,
જોતજોતામાં જુઓને, જાત પણ વેચાઈ ગઈ !

કેમ છો? એ પ્રશ્નના ઉત્તરમાં જોયું પણ નહીં,
ભરબજારે લોક વચ્ચે લાગણી રહેંસાઈ ગઈ !

શ્વાસ લેવા બે ઘડી ઈતિહાસ જ્યાં ઊભો રહ્યો,
એટલામાં તો સદીના વારતા વંચાઈ ગઈ !

મારી સાથે કેમ તું સ્પર્ધા કરે છે આ રીતે?
આંખમાં આંસુને જોઈ આગ છંછેડાઈ ગઈ.

થઈ શક્યો બે-ચાર ડૂમાનો જ તરજુમો અહીં,
સેંકડો ચીસોને ઘરની સભ્યતાઓ ખાઈ ગઈ.

આ ગઝલમાં વાત તો કરવી હતી એક પળ વિશે,
એ ખબર પણ ના પડી કે જિંદગી ચર્ચાઈ ગઈ !

પ્રશ્ન જીવનનો હતો અઘરો, સમજતાં વાર થઈ,
ને લખું ઉત્તર હું ત્યાં ઉત્તરવહી ખેંચાઈ ગઈ !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Leave a Comment

નજરમાં ન આવ્યા


[A Painting by Donald Zolan]
*
દિવસ, રાત, કોઈ પ્રહરમાં ન આવ્યા,
હતા આંખમાં, પણ નજરમાં ન આવ્યા.

અમીરી તો જુઓ જરા આંસુઓની,
રહ્યા કાયમી પણ અમરમાં ન આવ્યા.

જરા ચાલવાથી જ ભેટી શકાતે,
ઘણાં ગામ તોયે શહરમાં ન આવ્યા.

કરી નાખ્યો ખારો સમંદર રડીને,
નવાઈ, કે આંસુ નહરમાં ન આવ્યા.

ભરોસો જ ભારી પડ્યો માનવીને,
પીધું જ્યારે ત્યારે ઝહરમાં ન આવ્યા.

હશે લક્ષ્ય માટેની કેવી પ્રબળતા!
ઉતારાઓ કોઈ સફરમાં ન આવ્યા.

તમે શબ્દરૂપે હતા સાથ કાયમ,
ફકત છંદમાં કે બહરમાં ન આવ્યા!

તરસના નથી હોતા સરનામાં ‘ચાતક’,
ઘણાં જામ એથી અધરમાં ન આવ્યા.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

2 Comments

ગઝલ સારી લખાઈ છે


[Painting by Donald Zolan]
*
કુશળ ને ક્ષેમ છે એથી ગઝલ સારી લખાઈ છે,
ખુદાની રે’મ છે એથી ગઝલ સારી લખાઈ છે.

સુધારા છંદ ને વ્યાકરણના લખવા દસ વખત આપ્યા,
હજી એ મે’મ છે એથી ગઝલ સારી લખાઈ છે.

ઘણી જહેમત પછી બાંધ્યો કોઈના આંસુઓ ઉપર,
સલામત ડેમ છે એથી ગઝલ સારી લખાઈ છે.

તબીબે લાગણી માપી નવા ચશ્મા લખી આપ્યા,
ત્વચાની ફ્રેમ છે એથી ગઝલ સારી લખાઈ છે.

બિમારીની ખબર જાણી એ મળવાને ઘરે આવ્યા,
ને પૂછ્યું કેમ છે? એથી ગઝલ સારી લખાઈ છે.

અગાસી પર હતાં એ, એમનો પડછાયો મારા પર,
અડ્યાનો વ્હેમ છે એથી ગઝલ સારી લખાઈ છે.

જીવન જીવવા અને લખવાને માટે ક્યાં અલગ રાખ્યું?
એ બંને સે’મ છે એથી ગઝલ સારી લખાઈ છે.

મુકમ્મલ હોત તો ‘ચાતક’ કલમમાં ધાર ક્યાં આવત,
અધૂરો પ્રેમ છે એથી ગઝલ સારી લખાઈ છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments

ચાહી શક્યો છું ક્યાં !


[Painting by Donald Zolan]
*
પછી વરદાનમાં બીજું કશું માગી શક્યો છું ક્યાં!
તને ચાહ્યા પછી હું કોઈને ચાહી શક્યો છું ક્યાં!

નજર ટકરાઈ એ ક્ષણથી જ હું દિગ્મૂઢ બેઠો છું,
હજી હું આંગળા આશ્ચર્યથી ચાવી શક્યો છું ક્યાં!

ગયો ગંગાતટે પણ આચમન કે સ્નાન ના કીધું,
તને સ્પર્શ્યા પછી કોઈ ચીજથી નાહી શક્યો છું ક્યાં!

દીવાના અગણિત અહેસાનની નીચે દબાયો છું,
હવાનો હાથ ઝાલી બે કદમ ચાલી શક્યો છું ક્યાં!

હવે પુરુષાર્થ કરતાં ભાગ્ય પર ઝાઝો ભરોસો છે,
હથેળીમાં લખ્યું એથી વધુ પામી શક્યો છું ક્યાં !

ઉઘાડાં બારણાં હોવા જ કૈં પૂરતું નથી હોતું,
વિના સ્વાગત હું મારે ઘેર પણ આવી શક્યો છું ક્યાં!

સમયસર આપ આવ્યા તો થયો અફસોસ ‘ચાતક’ને,
તરસના સ્વાદને હું મનભરી માણી શક્યો છું ક્યાં!

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

ખોઈ બેઠો છું


[Painting by Donald Zolan]
*

પ્રસંગોમાં જીવું છું તોય ઘટના ખોઈ બેઠો છું,
હું તારી યાદના રંગીન પગલાં ખોઈ બેઠો છું.

મને મંઝિલ મળી એનો હરખ છે, ના નહિ પાડું,
છે પીડા એજ કે હું ગમતાં રસ્તા ખોઈ બેઠો છું.

વિવાદોમાં હતો ત્યારે ઘરે ઘરમાં હું ચર્ચાયો,
જીવું છું સાફસૂથરું તો એ ચર્ચા ખોઈ બેઠો છું.

પ્રસિદ્ધિના શિખર પર એ ખબર પડતી નથી જલ્દી,
હું મારી જાતને મળવાના નકશા ખોઈ બેઠો છું.

હું પત્થર પૂજતો ત્યારે ન’તી મારી દશા આવી,
મળી કૈં સાધુ-સંતોને હું શ્રદ્ધા ખોઈ બેઠો છું.

તને બેચેન રાતોની કસક હું કેમ સમજાવું,
હું તારી નિંદ માટે મારા સપના ખોઈ બેઠો છું.

પુરાવો પ્રેમનો એથી વધારે શું તને આપું?
રટૂં છું નામ તારું ને હું ગણના ખોઈ બેઠો છું.

મળી ખોબો ભરીને હર ખુશી પરદેશમાં ‘ચાતક’
હું મારો દેશ, મારી માની મમતા ખોઈ બેઠો છું.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

3 Comments