Press "Enter" to skip to content

તમે રે તિલક રાજા રામના


ગુજરાતી સાહિત્યને મારી આંખે કંકુના સૂરજ આથમ્યા જેવી અમર કૃતિ ધરી જનાર રાવજી પટેલની એક વધુ લોકપ્રિય કૃતિ આજે માણીએ. જે સંજોગો કવિતાને જન્મ આપે છે તે જાણીએ તો તે રચનાને વધુ સારી રીતે માણી શકીએ. એવી જ રીતે રચના કરનાર કવિની પાર્શ્વભૂમિકા હોય તો તેને યથાર્થ રૂપે સમજવામાં મદદ મળે છે. માત્ર અઠ્ઠાવીસ વરસની યુવાન વયમાં સ્વર્ગસ્થ થનાર  કવિ રાવજી પટેલ વિશે વાંચશો તો એના દર્દનો થોડો પણ અહેસાસ થશે. બે પાત્રો વચ્ચેના વૈષમ્યને ધાર કાઢતી આ તળપદી ભાષામાં રચાયેલ અને ગ્રામીણ પરિવેશમાં ગૂંથાયેલ રચના વારંવાર સાંભળવી ગમે તેવી છે.
*
આલ્બમ – આંખે કંકુના સૂરજ આથમ્યા

*
તમે રે તિલક રાજા રામના
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં-
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં?
કહો ને સાજણ દખ કેવાં સહ્યાં!

તમે રે ઊંચેરા ઘરના ટોડલા!
અમે લજવાતી પાછલી રવેશ રે;
તમારી મશે ના અમે સોહિયાં-
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં?
કહો ને સાજણ દખ કેવાં સહ્યાં?

તમે રે અક્ષર થઈને ઊકલ્યા!
અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના;
તમારી મશે ના અમે સોહિયાં-
કહો ને સાજણ દખ કેવાં પડ્યાં?

– રાવજી પટેલ
(દખ- દુઃખ, મશ- કાજળ, રવેશ ઘરનો કઠેરો)

6 Comments

  1. Nirmal
    Nirmal August 7, 2024

    Can some please explain the lyrics ?

  2. Sanjay Patel
    Sanjay Patel June 21, 2019

    હરિહરન નો સ્વર છે.

  3. Pinky pandya
    Pinky pandya July 26, 2015

    તમે ખૂબ સુંદર ગીતો ભેગાં કરી આપ્યાં છે. તેના માટે આભાર.
    આ ગીતમાં ‘મશ’ શબ્દનો અર્થ ‘કાજળ’ નથી. પરંતુ ‘બહાનું ‘ અથવા ‘-ની જેમ’નો અર્થ છે.
    ( અમે તમારી જેમ, તમારા જેટલા ન શોભાયાત્રા ..

  4. Rachana
    Rachana June 15, 2010

    ભુપિન્દર સિંધ

  5. Speakbindas
    Speakbindas September 14, 2009

    ખુબજ સરસ પદ છે. આભાર.

  6. Pancham Shukla
    Pancham Shukla September 10, 2009

    સરસ પદ.
    કોણે ગાયું છે ? અવાજ બહુ સરસ છે પણ ઉચ્ચારણ (ખાસ કરીને સહ્યાં અને સોહિયાં) પરથી ગુજરાતી ગાયક હોય એવું નથી લાગતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.