Press "Enter" to skip to content

Author: admin

સુધારી રાખજે


સૌ વાચક મિત્રોને ઈશુના નવા વર્ષની શુભકામનાઓ.
*
ભૂલ જો સમજાય તો એને સુધારી રાખજે,
**હોય જે સારા, દશા એનીય સારી રાખજે.

ચાર દિનની હું તને આપું છું મહેતલ, ઓ પ્રભુ,
તારે શું કરવું છે એ જલદી વિચારી રાખજે.

પાપ-પુણ્યોના તું અઘરાં દાખલા પૂછ્યા કરે,
ચેક કરવામાં હવે થોડી ઉદારી રાખજે.

ભૂલથી સંવેદનાની વાત તો કરતો જ નહીં,
મેં કીધું’તું ફૂલદાનીમાંય બારી રાખજે.

સુખ દુઃખ સરખાં ન આપે તો મનાવી લઈશ મન,
પણ કૃપા હર હાલમાં તું એકધારી રાખજે.

બાણશૈયા પર સૂવાનું નામ છે આ જિંદગી,
શૈષશૈયા પર કદી મારી પથારી રાખજે.

જીવતરની જાતરાનો કર અહીં પૂરો હિસાબ,
હું નથી કહેતો કે તું થોડી ઉધારી રાખજે.

વાર ના લાગે થતાં કલિયુગમાં રાધાનું રમણ,
તું સદા તારું સ્વરૂપ બાંકેબિહારી રાખજે.

તું તો જાણે છે કે ‘ચાતક’ જીવતો વિશ્વાસ પર,
તારું ચાલે તો બધી આશા ઠગારી રાખજે,

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
** પુણ્યસ્મરણ – બરકત વિરાણી ‘બેફામ’
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.
*
[Above: Painting by Donald Zolan]

1 Comment

બેઠા છીએ


*
રાત આખી રોઈને બેઠા છીએ,
કેટલું કૈં ખોઈને બેઠા છીએ.

સ્વપ્નથી મેલી થયેલી આંખને,
આંસુઓથી ધોઈને બેઠા છીએ.

જે હથેળીમાં ન’તી ચિતરાઈ, બસ
એજ રેખા જોઈને બેઠા છીએ.

વીજળી ચમકીને કરશે શું હવે,
મોતીઓ તો પ્રોઈને બેઠા છીએ.**

નામ ‘ચાતક’ એટલે ધાર્યું અમે,
મનમાં ધારી કોઈને બેઠા છીએ.
*
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
** (વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ …. ગંગાસતીનું પુણ્યસ્મરણ)
[Above – Painting by Donald Zolan]

3 Comments

શ્રાવણ આવશે


*
અશ્રુઓ લ્હોવાને પાંપણ આવશે,
હર સમસ્યાનું નિવારણ આવશે.

આહ, આંસુ ને જુદાઈ ક્યાં લગી?
એક દિ એનુંય મારણ આવશે.

બહુ મથો તોયે ઉકેલી ના શકો,
પ્રેમમાં એવી મથામણ આવશે.

આપણી શ્રદ્ધા જ જીતતી હોય છે,
હર સફળતાનું એ તારણ આવશે.

લાખ રેખાઓ ભલે દોરો તમે,
હો સીતા મનમાં તો રાવણ આવશે.

હોય જો ‘ચાતક’ મિલનની ઝંખના,
ખુદ લઈ પગલાંને આંગણ આવશે.

આંખ પર ‘ચાતક’ ભરોસો રાખજો,
ભર ઉનાળામાંય શ્રાવણ આવશે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]

1 Comment

ગોળ કરવા ના મથો


*
જે નથી, એનો નિરર્થક ડોળ કરવા ના મથો,
લંબચોરસ જિંદગીને ગોળ કરવા ના મથો.

આગવું સૌંદર્ય છે પ્રત્યેક જગ્યાનું જગે,
ગામનાં ફળિયાં પરાણે પોળ કરવા ના મથો.

માપસર વરસાદ હો તો પાક ઊગે માતબર,
તૃપ્ત કોઈ હોય તો તરબોળ કરવા ના મથો.

થઈ શકે તો કોઈના શુભ યત્નને ટેકો કરો,
હા, પવનની લ્હેરખી વંટોળ કરવા ના મથો.

પ્રેમ સાચો હોય તો હર હાલમાં કાયમ રહે,
સાઠ વરસે ઉમ્ર પાછી સોળ કરવા ના મથો.

હર ગતિની હોય છે અદકી ને અલગારી મજા,
રેલગાડીને તમે ચકડોળ કરવા ના મથો.

મોજ આવે તો લખો બેશક તમે ‘ચાતક’ ગઝલ,
અમથેઅમથું શબ્દનું ભંડોળ કરવા ના મથો.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]

4 Comments

મોંઘા પડ્યા


*
વ્યક્ત થયેલાં હર્ષ બહુ મોંઘા પડ્યા,
સાચવેલા સ્પર્શ બહુ મોંઘા પડ્યા.

રાખવી’તી સહીસલામત લાગણી,
ચામડીના પર્સ બહુ મોંઘા પડ્યા.

પ્રેમરોગીની દવા મોંઘી ન’તી,
દાક્તરો ને નર્સ બહુ મોંઘા પડ્યા.

મિત્રતા સૌને અનાયાસે મળી,
લોહીના સંઘર્ષ બહુ મોંઘા પડ્યા.

યુદ્ધ તો જીતી ગયા સહેલાઈથી,
તીર ને તરકશ બહુ મોંઘા પડ્યા.

જિંદગી ‘ચાતક’ હવાનો ખેલ, ને
શ્વાસના સર્કસ બહુ મોંઘા પડ્યા.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – A Painting by Donald Zolan]

1 Comment

જગા ઓછી પડી


*
શ્વાસને સત્કારવા માટે જગા ઓછી પડી,
આપણી વચ્ચે હવા માટે જગા ઓછી પડી.

તીર પહેલાં પ્રેમનું એવી રીતે વાગી ગયું,
કોઈ દુઆ કે દવા માટે જગા ઓછી પડી.

આગ હૈયાની નિયંત્રિત થાય પણ કેવી રીતે,
લાગણીઓ ઠારવા માટે જગા ઓછી પડી.

એક વત્તા એકનો આ દાખલો સ્હેલો ન’તો,
ને ઉપરથી ધારવા માટે જગા ઓછી પડી.

આંખને પૂછ્યા વિના એ ગાલ પર આવી ગયા,
સ્વપ્નને સંતાડવા માટે જગા ઓછી પડી.

હાથ ત્યાં રૂમાલ થઈ આવી શકે એવું હતું,
દોસ્ત, આંસુ સારવા માટે જગા ઓછી પડી.

સાત ફેરાનું ગણિત કેમે ઉકેલાયું નહીં,
જાન, તોરણ, માંડવા માટે જગા ઓછી પડી.

એ રીતે જોયા કર્યું ‘ચાતક’ જમાનાએ પછી,
કે નજર ઉતારવા માટે જગા ઓછી પડી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]

5 Comments