Press "Enter" to skip to content

Tag: મારા તરફથી

વીણેલાં મોતી


*

*
આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ;
છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ.
– મનહરલાલ ચોકસી
*
ક્યાં કદી સહેલાઇથી સમજાય છે માણસ હવે
વિસ્તરે છે એમ ટુંકો થાય છે માણસ હવે.
આભને આંબી જવાના હોય છે સ્વપ્ના ફકત,
માત્ર પડછાયો બની લંબાય છે માણસ હવે.
– આશિત હૈદરાબાદી
*
તું બને વરસાદ તો ઇચ્છાઓ જામગરી બને,
ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને;
રામ બનવાનું બહુ અઘરું નથી હોતું મગર
શર્ત એ છે કે નિખાલસ એક જણ શબરી બને.
– મુકુલ ચોકસી
*
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે;
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને ક્યાં કૈં ઉપજતું હોય છે !
– રાજેન્દ્ર શુકલ

3 Comments

મુલાકાત


કેટલીક પળો જીવનની યાદગાર પળો હોય છે. એ જીવનને નવો વળાંક આપે છે, પરિવર્તનની દિશા ચીંધે છે. કેટલીક મુલાકાતો પણ એવી જ ચિરસ્મરણીય હોય છે, એને વારંવાર મમળાવવી ગમે છે, એની સ્મૃતિ જીવવાનું બળ પૂરું પાડે છે. વિખૂટાં પડવું અને મળવું જીવનની વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરી વિરહની પીડા અને ભાવિ મિલનની કલ્પના – બંનેથી આંખ ભીંજાય છે, એ અંતિમ પંક્તિમાં વ્યક્ત થયું છે.
*

*
તમારા સ્મરણની બે પળ જ વીતી,
ત્યાં સમય તો કહે અર્ધી રાત ગઈ !

પ્રવાહોથી દૂર, સમયના કિનારે,
અવિનાશી એવી મુલાકાત થઈ.

ઘણાં શ્વાસ લીધા વિરહમાં તમારા,
મઝા માણી મિલનની એકશ્વાસ થઈ.

તમારા જ સ્પર્શે આ વેરાન રણમાં,
ઝરણાંના વહેવાની શરૂઆત થઈ.

વિદાયની વેળાએ સંભાળ્યા છતાં,
પલકને કિનારે ભીની આંખ થઈ.

કોને કહું કે વિરહની સાથે,
મિલનની નજીક એક પળ તો ગઈ !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

245 Comments