દુનિયામાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જે સીધા, ભલા અને સચ્ચાઈના રાહે ચાલનારા હોય તેમને તકલીફો સહેવી પડે છે, તેમને મુસીબતો ઘેરી વળે છે, અને તેમની ડગલે ને પગલે કસોટી થાય છે. જ્યારે અન્યાય અને અધર્મનું આચરણ કરનાર જલસા કરતા દેખાય છે. ખુદાના આ અન્યાય સામે બેફામ અકળાઈ ઉઠે છે. મનહર ઉધાસના કંઠે સાંભળો આ સુંદર ગઝલ.
*
*
કેવી રીતે વીતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ કરે તું જ મારું પારખું
મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી
* * *
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી .
– બરકત વીરાણી ‘બેફામ’
6 Comments