Press "Enter" to skip to content

નથી બનતાં


*

બનાવો આમ તો બનવા ઘટે છે, પણ નથી બનતાં,
સમંદરના નિસાસાથી કદીયે રણ નથી બનતા.

શરતચૂક માનવી છોને કરે ઇતિહાસ લેખનમાં,
સદીના કાફલા ભૂલા પડે તો ક્ષણ નથી બનતાં.

જરૂરી જ્ઞાન, સાહિત્યિક સમજ તેમજ વફાદારી;
પ્રસંશા માત્ર કરવાથી કોઈ ચારણ નથી બનતાં.

પ્રણયની વારતાઓ ને ગણિતમાં એ તફાવત છે,
ઉમેરો એકમાં જો એક તો એ ત્રણ નથી બનતાં.

હશે અવસર કોઈ એથી તો આવે પાંપણો ઉપર,
અમસ્તાં આંસુઓ કૈં આંખના તોરણ નથી બનતાં.

સમયના આંગણે ઊડતાં રહે પંખી ઉદાસીનાં,
સ્મરણ પ્રત્યેક વેળા આપણાં ગોફણ નથી બનતાં.

સહજ જીવનની ફિલસૂફીમાં માને દૃઢપણે ‘ચાતક’,
વિના કારણ કદી એ કોઈનું કારણ નથી બનતાં.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – A Painting by Donald Zolan]

3 Comments

  1. Hitesh Rathod
    Hitesh Rathod May 9, 2025

    વાહ, રચના નિખાર માટે શું શબ્દો ચૂંટ્યા છે!

    કોઈ કંઈ પણ કહે, સર્જક સઘળા એમ કંઈ ‘ચાતક’ નથી બનતા!

  2. Viren Patel
    Viren Patel May 2, 2025

    Superb

  3. Dhruti Modi
    Dhruti Modi May 2, 2025

    સુંદર ગઝલ !
    સમંદરના નિસાસાથી કદીયે રણ નથી બનતાઃ ! વાહ 👌👌

    સમયના આંગણે ઊડતાં રહે પંખી ઉદાસીના
    સ્મરણ પ્રત્યેક વેળા આપણાં ગોફણ નથી બનતાં

    સહજ જીવનની ફિલસૂફીમાં માને દૃઢપણે ‘ચાતક’
    વિના કારણ કદી એ કોઈનું કારણ નથી બનતાં ! 👌👌👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.