Press "Enter" to skip to content

Category: ગઝલ

ફાવ્યું નહીં


*
મૂળને મેટીંગ(mating)માં ફાવ્યું નહીં,
ડાળને લેટીંગ(letting)માં ફાવ્યું નહીં.

પ્રેમ ભમરાને થયો પહેલી નજર,
ફૂલને ડેટીંગ(dating)માં ફાવ્યું નહીં.

આંસુઓ જલદી રવાના થઈ ગયા,
ગાલને વેઈટીંગ(waiting)માં ફાવ્યું નહીં.

પ્રાર્થના પ્રભુને કરી મેં પણ ઘણી,
એમને ચેટીંગ(chatting)માં ફાવ્યું નહીં.

પીઠ પસવારી તો તક ઊભી રહી,
પણ પછી પેટીંગ(petting)માં ફાવ્યું નહીં.

શિષ્ટતાના ઢાળ પર શબ્દો ઊભા,
હાશ … કે સ્કેટીંગ(skating)માં ફાવ્યું નહીં.

જિંદગી ટીઆરપી* જેવી મળી,
ને મને રેટીંગ(rating)માં ફાવ્યું નહીં.

મોતને ‘ચાતક’ હરાવી દેત પણ
શ્વાસને સેટીંગ(setting)માં ફાવ્યું નહીં.


– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

*
*TRP – TV or Target Rating Point, a method to check the effectiveness of an ad (on Television)
Mating – Act of coming together for reproductive purpose
Letting (go) – giving up control or releasing emotions
Dating – meet someone with an intent of building intimate relationship
Petting – stroke or pat affectionately, caressing and touching
Skating – act of gliding on a surface (with skates)
Setting – configuration or arrangement to operate in a certain way
*
[Above: A painting by Donald Zolan]

Leave a Comment

નહીં લાગે


*
દિવાલે કાન ધરવામાં સમજદારી નહીં લાગે,
તિરાડો હોય એથી ભીંત કૈં બારી નહીં લાગે.

ફૂલોના આઠ-દસ કૂંડા મૂકો ગેલેરીમાં સાથે,
બહુ ધારીને જોશો તોય એ ક્યારી નહીં લાગે.

કહ્યું છે સંગ એવો રંગ – એ સાચું હશે કિન્તુ,
મળે દરિયાને એથી કૈં નદી ખારી નહીં લાગે.

કદી દીકરા-વહુને ઘર જઈને બે દિવસ રહેજો,
તમારી દીકરી તમને પછી ભારી નહીં લાગે.

તબીબો શસ્ત્રક્રિયાઓ કરીને છોને નિપજાવે,
કરુણા, પ્રેમ, લજ્જા, શીલ વિણ નારી નહીં લાગે.

‘મરીઝ’ તો કહી ગયા* – એના જતી વેળાના જોવા પર,
તમે પાછળ વળી જોજો, નજર સારી નહીં લાગે.

જીવન ઝાકળ સમું છે, શર્ત ગમતાં ફૂલ પર જીવો,
પછી અત્તર થવામાં કોઈ લાચારી નહીં લાગે.

રસીલી પાણીપુરી જેવાં ‘ચાતક’ હોય છે સપનાં,
નયન ઓર્ડર કરે ક્યાં? એમની લારી નહીં લાગે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

*
કવિ મરીઝનું પુણ્ય સ્મરણ
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મુહોબ્બતના પુરાવાઓ.

Leave a Comment

રહેવા દે


અલવિદા 2025… સુસ્વાગતમ્ 2026
સૌ વાચકમિત્રોને ઈસુનું નવું વરસ સર્વ પ્રકારે સુખમય નીવડે એવી શુભેચ્છાઓ.
*
હલેસા પર ભરોસો રાખ કાં તો નાવ રહેવા દે,
જો દરિયો પાર કરવો હો તો જળની રાવ રહેવા દે.

વિકટ સંજોગ સામે બાથ ભીડવા સજ્જ થા, નહીંતર
સુનામીના પ્રદેશોમાં જવાનો ચાવ રહેવા દે.

તું જો, કે મિત્ર તારો ખુદ ફસાયો છે મુસીબતમાં,
બતાવા એને લાવ્યો છે તું તારા ઘાવ, રહેવા દે.

તને જો એમ લાગે કે મૂકીશ તો થઈ જશે મેલા
હસીન જો એટલા હો તો હવામાં પાંવ રહેવા દે.

તું ચુકવી દામ શ્રદ્ધાના ખરીદી લેને ઘરબેઠાં,
ફરીને રોજ મંદિરમાં પૂછે છે ભાવ, રહેવા દે.

સ્વભાવે વૃક્ષની ઉદારતા ખોટી નથી, કિન્તુ
જરૂર હો ધૂપની ત્યારે અકારણ છાંવ રહેવા દે.

તને પરદેશમાં સ્થાયી થયે વરસો થયા ઓ, દોસ્ત,
હવે જ્યાં ત્યાં આ મેરા દેશ, મેરા ગાંવ, રહેવા દે.

તું સાચ્ચે એમ માને છે, લખાવે છે કોઈ ગઝલો?
તો મક્તામાં તું ‘ચાતક’ નામ તારું, સાવ રહેવા દે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – A Painting by Donald Zolan]

1 Comment

સાથે લઈ અમે નીકળ્યાં હતાં


*
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને અર્પણ
*
કેટલા અરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા,
હોઠ પર મુસ્કાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

કામધંધા કાજ રહેતા’તા ભલે પરદેશમાં,
દેશનું અભિમાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

મિત્ર-સ્નેહીઓ-સંબંધી, ગામ-શેરી-ઘર-ગલી
સૌનું હૈયે ધ્યાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

*જિંદગી તો બેવફા હૈ .. જાણતા’તા, ને છતાં,
જિંદગીનું ગાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

પ્લેનમાં બેઠા અમે ત્યારે ખબર થોડી હતી,
મોતનું ફરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા !

મ્હેંકશે વરસો સુધી સાથે વીતાવેલી ક્ષણો,
ફક્ત એ વરદાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
ज़िन्दगी तो बेवफा है एक दिन ठुकराएगी
मौत मेहबूबा है अपने साथ लेकर जाएगी
ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ના સુપ્રસિદ્ધ ગીતની પંક્તિઓ
*
કવિ અનિલ ચાવડાની કલમે ગુજરાત સમાચારની ‘અંતરનેટની કવિતા’ કોલમ અંતર્ગત આ ગઝલ પ્રસિદ્ધ થઈ હતી. લેખ વાંચવા માટેની લીંક

1 Comment

નથી બનતાં


*

બનાવો આમ તો બનવા ઘટે છે, પણ નથી બનતાં,
સમંદરના નિસાસાથી કદીયે રણ નથી બનતા.

શરતચૂક માનવી છોને કરે ઇતિહાસ લેખનમાં,
સદીના કાફલા ભૂલા પડે તો ક્ષણ નથી બનતાં.

જરૂરી જ્ઞાન, સાહિત્યિક સમજ તેમજ વફાદારી;
પ્રસંશા માત્ર કરવાથી કોઈ ચારણ નથી બનતાં.

પ્રણયની વારતાઓ ને ગણિતમાં એ તફાવત છે,
ઉમેરો એકમાં જો એક તો એ ત્રણ નથી બનતાં.

હશે અવસર કોઈ એથી તો આવે પાંપણો ઉપર,
અમસ્તાં આંસુઓ કૈં આંખના તોરણ નથી બનતાં.

સમયના આંગણે ઊડતાં રહે પંખી ઉદાસીનાં,
સ્મરણ પ્રત્યેક વેળા આપણાં ગોફણ નથી બનતાં.

સહજ જીવનની ફિલસૂફીમાં માને દૃઢપણે ‘ચાતક’,
વિના કારણ કદી એ કોઈનું કારણ નથી બનતાં.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – A Painting by Donald Zolan]

3 Comments

આડા આવે છે


*
રસ્તા ઉપર ચાલો ત્યારે વચ્ચે ખાડા આવે છે,
સુખની સાથે એવી રીતે દુઃખના દા’ડા આવે છે.

આંસુને ઉધેઈ ગણો કે કીડી મંકોડાની જાત?
એક નીકળે એની પાછળ ધાડેધાડા આવે છે.

જીવનમાં મોકો આપીને જેને આગળ બેસાડો,
એજ પછી આગળ જોવામાં તમને આડા આવે છે.

જ્યારે જ્યારે નામ લખું હું મારી ‘મા’નું કાગળમાં,
પેન ગમે તેવી હો તોયે અક્ષર જાડા આવે છે.

એક વખત ‘ચાતક’ એને આપ્યું’તું રહેવા દિલ મારું,
આજ લગી એની યાદો ભરવાને ભાડા આવે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above: A Painting by Donald Zolan]

4 Comments