જીવનભર જેને લોકોએ માન-સન્માન ન આપ્યું હોય, માંદા થયા હોય તો કદી ખબર જોવા જવાની તસ્દી ન લીધી હોય એવી વ્યક્તિનું મોત થાય ત્યારે લોકો એની શોકસભા ભરે, એના વિશે સારી સારી વાતો કરે, એ કવિને ખટકે છે. એથી એ કહે છે કે કમ સે કમ એ રીતે મરણનું મૂલ્ય જીવનથી વધુ લાગ્યું. મનહર ઉધાસને કંઠે ગવાયેલી ને દર્દમાં ઘૂંટેલી આ સુંદર ગઝલને આજે માણીએ.
*
*
રેત ભીની તમે કરો પણ રણ સમંદર કદી નહીં લાગે
શબને ફૂલો તમે ધરો છો પણ મોત સુંદર કદી નહીં લાગે.
*
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.
તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.
સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.
જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.
તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.
નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.
મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.
શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે ?
મોહબ્બત હોય જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.
– ‘કામિલ’ વટવા
દર્દનું બીજું નામ પ્રેમ તે આ ગઝલમાં કવિ કહે છે.
શબ્દો કરતાં અઘરું છે જીવન જો જીવીએ આપણે હૃદયથી. ઘણી સુંદર છે આ ગઝલ. આભાર.
મારી ગમતી ગઝલ સાંભળવાની મજા આવી. આભાર
તેજસ શાહ
જીવતાં જીવે એક ફુલએ ના મળિયું હવે આ હાર શાને? કાઢી નાખો જલ્દી, ડર છે મને ક્યાંક છબી ચિત્કાર કરી ઉઠશે….
પળ ભરની આ મુલાકાતોમાં રહી નથી મઝાં
મઝા તો જ્યારે હમેશ માટે મારી પાસે આવે.
તોડી તોડી ને હું ફેકુ છું ગુલાબનાં ફુલ નદીમાં
કે કદાચ સુગંધ દોડીને ક્યાક તારી પાસે આવે.
પ્રતિક મોર
pratiknp@live.com
ખુબ મજાની ગઝલ …. !! એકે એક શેર લા-જવાબ …