ઈશ્વરને મેળવવા ભક્તિમાર્ગનો આધાર લેનારે સર્વસમર્પણની તૈયારી રાખવી પડે છે. જે પણ પરિસ્થિતિ આવી પડે એને પ્રભુનો પ્રસાદ માની આનંદથી સ્વીકારવી પડે છે. મીરાંબાઈએ ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસમર્પણ કર્યું હતું. સાંવરિયાને મળવાના માર્ગમાં જે પણ વિઘ્નો આવે, જે પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તેને માટે તેમની સંપૂર્ણ તૈયારી હતી. એમની એ ખુમારી આ ભજનમાં છલકે છે. મહેલના હીરના પહેરણ અને શીરો-પૂરીનાં ભોજન છોડીને સાદાં કપડાં અને ભૂખ્યા રહેવા છતાંય બધી જ અવસ્થામાં આનંદ અને સતત સ્મરણ. કહેવું સહેલું છે પણ કરી બતાવવું અત્યંત કપરું છે. મીરાંબાઈએ એ કરી બતાવ્યું અને અમરત્વને હાંસલ કર્યું. પ્રભુભક્તિની ખુમારીથી છલોછલ આ સુંદર પદ સાંભળીએ દિપાલી સોમૈયાના સ્વરમાં.
*
*
રામ રાખે તેમ રહીએ, ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…
બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી, રામ રાખે તેમ રહીએ…
– મીરાંબાઈ
ખૂબ સરસ રચના…પ્રભુ આપણને જે પરિસ્થિતિમાં રાખે તેમાં રહીને પ્રભુના ગુણાનુવાદ ગાવા જોઈએ તો આપણું જીવન સફળ રહે.
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,
આ રચના અભ્યાસક્રમમાં આવતી અને મને બહું જ ગમતી એ વખતે તો આ રચના મને મોંઢે હતી.આજે આ રચનાને ઘણા સમય બાદ સુર સાથે માણવા મળી.
આભાર.
સાચી આસ્થાની આજે ઊભી થયેલી આવી ઊણપની સાથે બીજું એક અનિષ્ટ આજે મોટા ભાગના લોકોને ઘેરી વળ્યું છે. આજે કોઈને થોડામાં ધરવ નથી. લોભને થોભ નથી. એ આપણાં પૂર્વજોની શાણી ઉક્તિ અનુસાર માણસ બસ લાવ, લાવ અને ખાઉંખાઉં કરી અકરાંતિયાની જેમ જીવવા લાગ્યો છે. પોતાના પરિગ્રહને સમજદારીથી સીમિત રાખવાની આપણા વડવાઓની શીખ જાણે વિસરાઈ ગઈ છે. ધનથી માણસને કદી તૃપ્તિ થવાની નથી અને સંતોષમાં જ સાચું સુખ છે એ સદીઓના અનુભવોના તારણ સમી આપણા પૂર્વજોની શિખામણ સાવ જ ભૂલાઈ ગઈ છે. અમાપ સમૃદ્ધિની ભૂખે માણસને રઘવાયો કરી મૂક્યો છે. ત્યારે કૃષ્ણભક્ત મીરાંનું આ ભજન રામ રાખે…દરેક દુઃખના પ્રસંગે શાંતિ આપે છે.
આ ભજન સાંભળીને ખુબ મજા આવી. એક ફરમાઈશ – હવેલી બંધાવી દઉં હરિ તારા નામની, મુકશો તો ગમશે.
આભાર.