ઈશ્વર આપણો સાથી છે, આપણા અંતરમાં રહે છે, આપણી બધી જ વાતોને જાણે છે – આપણે આવું સાંભળતા આવ્યા છીએ. જો એમ જ હોય તો એને આપણી તકલીફનો અહેસાસ હોવો જોઈએ, આપણી પીડાનો અનુભવ થવો જોઈએ અને એમ હોય તો એને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર ન પડવી જોઈએ. ઈશ્વર પાસે હાથ ફેલાવીને નહીં કરગરવાની કવિ નાઝિરની આ ખુમારી માણો આ સુંદર ગઝલમાં.
*
સ્વર: મનહર ઉધાસ, આલ્બમ: અસ્મિતા
*
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?
આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.
જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.
– નાઝિર દેખૈયા
It’s awesome gazal…….
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
ખુબ જ મજાની વાત કરી દિધી. મહેનત કર્યા પછી ની સફળતાનો આનંદ ઘણો સુગંધવાળો હોય છે.
ભાવનગરના નાઝિરસાહેબની સુંદર ગઝલ!
મનહરભાઈનું મનમોહક સ્વરાંકન અને મધુર સ્વર એને ઓર માણવા લાયક બનાવે છે!
સુધીર પટેલ.
વાહ,
સાગરે ને લલકારતી ગઝલ.