શબ્દો જેમની પાસે અનાયાસ સરતાં રહે છે એવા મારા પ્રિય કવિ રાજેન્દ્ર શુકલની રચના જેને બંસરીબેનનો કંઠ મળ્યો છે, અહીં રજૂ કરું છું. દૃશ્ય જગત જ સર્વકાંઈ નથી. રેશમી હવાની જેમ કોઈની મધુર યાદો અદૃશ્ય રીતે આપણને એક અલગ ભાવસૃષ્ટિમાં તાણી જાય છે. હું શું કરું કે કંઠ ખૂલતો નથી, ગીતો તો કેટલુંય કરગરી ગયા … તથા એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો, શબ્દો અજાણતાં તમે કોતરી ગયા .. એ અહેસાસને વાચા આપે છે.
*
સ્વર: બંસરી યોગેન્દ્ર, સંગીત: હરેશ બક્ષી
*
આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !
વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !
હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !
તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !
જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં !’
વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં !
એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !
– રાજેન્દ્ર શુકલ
(ગીતની ફરમાઈશ કરનાર મિત્રો – રુષુ અને નિશાંત)
સર્વાંગ સુંદર ગીત
એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !
આતો અમારી અનુભૂતિ
મધુરી મધુરી ગાયકી
વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !
વાહ ! શું સુંદર રચના ! શું સુંદર શબ્દો ! શું સુંદર કંઠ ! કહેવું પડે ! અભિનંદન.
Very melodious voice of Bansariben.She has come a very long way in renedering Sugam sangeet.
I know her as a member of music lover’s family.
Enjoyed the song thoroughly…
Thanks
Upendra
ઊડતા અરમાનો એ કંઇક ખીણો એ નિહાળી ને બધી જ આશાઓ એમા જ સમાણી.
આ ગઝલ ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે) ની ફેસબુક ફોરમમાં પોસ્ટ કરી છે.
https://www.facebook.com/groups/glauk/permalink/780204232078132/
બંસરીબેને કમા..લનું સુંદર ગાયું છે. અભિનંદન.
આભાર.