સાંજ સજી લે સાજ પછી સૂરજની આંખે અંધારા,
ઈચ્છાઓના ગામ જવાને મારગ મળતા અણધારા,
શમણાંઓની ભીડ મહીં ચૂપચાપ સરકતો જાય સમય,
પાંપણ કોને આપે જઈ સૂરજ ઊગવાના ભણકારા ?
*
અધૂરા સ્વપ્ન જોવામાં અમારી આંખ બીઝી છે,
નહિતર જાગવું વ્હેલી સવારે સાવ ઈઝી છે.
સૂરજને શોધવાના યત્નમાં મુજ સાંજ વીતી ગઈ,
તમોને શી ખબર કે કેવી રીતે રાત રીઝી છે.
*
સૂરજના સળગી ઉઠવામાં કોનો કોનો હાથ હશે ?
એ જ વિચારે સંધ્યાનું ઘર કાયમ કાજ ઉદાસ હશે ?
આભ, ક્ષિતિજ કે તારલિયાનો વાંકગુનો દેખાતો ના,
રૂપ ચાંદનીનું નક્કી સૂરજને માટે ખાસ હશે.
*
વાદળ થઈને નહીં વરસેલા શમણાંઓ ક્યાં ભાગે છે ?
આંસુઓના નામે ભીની રાતો અહીંયા જાગે છે.
રોજ સાંજના સૂરજ કરતો ના ઊગવાનો બંદોબસ્ત,
તોય ક્ષિતિજ પર કોણ સવારે આવી આંખો આંજે છે ?
*
સાંજ પડે ત્યાં ફુટે છે આ પડછાયાને વાચા,
કોઈ મને સમજાવો એની શબ્દ વિનાની ભાષા.
સૂરજના ડૂબવાથી સઘળી આશા થોડી ડૂબે ?
કેમ રખડવા નીકળે છે આ સૌના ઘરે હતાશા.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
7 Comments