Press "Enter" to skip to content

વિશ્વંભરી સ્તુતિ


આદ્યશક્તિ મા અંબાના મહિમાને ઉજાગર કરતું પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસ મા ભગવતી, મા દુર્ગા એટલે કે શક્તિની, પૂજા, અર્ચના અને સ્તુતિપાઠ. જો કે નવરાત્રિમાં વ્રત-ઉપવાસ રાખવા, અનુષ્ઠાન કરવું, માતાજીને નૈવેદ્ય ચઢાવવું, આઠમને દિવસે હવન કરવો… એવું બહુ ઓછા ઘરોમાં જોવા મળે છે. કેટલાક સુખદ અપવાદો સિવાય આજકાલ તો ઠેકઠેકાણે પીઠ પાછળ ટેટુ ચીતરાવી, બેકલેસ બ્લાઉઝ પહેરી, લેટેસ્ટ ફેશનના અને દરરોજ અલગ અલગ ચણિયાચોળી પહેરી ફિલ્મી ગીતોની ધૂન પર ડીસ્કો ગરબા (ગરબા કહેવાય?) ગવાય છે. હજી એનાથી વધુ શું થાય છે તે લખવાનું મન થતું નથી. પણ આવે વખતે માતાજીને ખરા ભાવે સ્તુતિ કરીએ કે હે મા, દુર્બુદ્ધિને દૂર કરી સૌને સદબુદ્ધિ આપો. તમે આખા વિશ્વના જનેતા છો, અમે સૌ તમારા બાળકો છીએ. અમે સંસારચક્રમાં ફસાયા છીએ. આ મહાભવરોગમાંથી અમને સૌને ઉગારો. સાંભળો મને નાનપણથી જ ખુબ ગમતી વિશ્વંભરી સ્તુતિ બે અલગ સ્વરમાં.
*

*

*
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

9 Comments

  1. Kanchankumar Parmar
    Kanchankumar Parmar September 19, 2009

    નવરાત્રીના મંગલ અવસરે મા ભગવતી જગતને સુખ શાંતિ અર્પે એવી અંતરની ભાવના.

  2. Manoj
    Manoj September 20, 2009

    નવરાત્રી અને માતાજીની સ્તુતિ અને તમે મુકેલી ચેનલ એમ માંના ગરબાઓ અને એ પણ માતાજીના અને એમાંનો એક ગરબો માતાજી ને લાલ નહી પીળી નહી પ્રેમની ચુંદડી ઓઢાવો – આજે બીજા દિવસે સાંભળવા મળ્યો એ માતાજી અને તમારી કૃપા. જે બદલ તમારો આભાર.

  3. Pragnaju
    Pragnaju September 20, 2009

    ગઈ કાલથી અમારી કાલીઘેલી વાણીમા ગાઈએ જ છીએ
    આજે વિશ્વંભરી સ્તુતિ બે અલગ સ્વરમાં માણી ખૂબ આનંદ થયો

  4. પંચમ શુક્લ
    પંચમ શુક્લ September 24, 2009

    આહા..અદ્બુત. મને ખુબ ગમતી સ્તુતિ. નાનપણમાં વારંવાર સાંભળી છે એટલે જ વસંતતિલકા પ્રત્યે પક્ષપાત પણ વધુ છે.

  5. Harshal
    Harshal October 4, 2009

    Maa Tuje Salam, Maa Tuje Salam.
    He Maa Ambe door karjo dukh sauna. Shakti & Bhakti dejo.
    Maa Ambe pase stuti gayne sarir pavitra karva aa stuti roje j gavi joiye.
    Jai Mata Di.

  6. Jagruti
    Jagruti February 23, 2010

    શ્રી ભગવતી સ્તુતિ શ્રેષ્ઠ છે.

  7. Jagruti
    Jagruti February 23, 2010

    શ્રેષ્ઠ વિશ્વંભરી સ્તુતિ

  8. Shankerprasad S Bhatt
    Shankerprasad S Bhatt February 25, 2010

    ઠિસ વોર્ક ઇસ અપ્પ્રિઅતેદ બૌસે યોઉર અત્તેમ્પ્ત્સ તો રેઅતે વેબ અપ્ગેસ ફોર થે દેવેલોપ્મેન્ત ઓફ સુચુ જરતિ ઇન્ફોર્મતિઓન ઇન ઓઉર ઓવ્ન લન્ગુઅગેજિ થ સુચ અત્તેમ્પ્ત્સ થે નોતિઓન ઓફ થે નોનેક્ષિસ્તેને ઓફુ જરતિ લન્ગુઅગે વિલ્લ બે પ્રોવેદ તો બે ફલ્સે.ંયો ન્ગ્રાતુઅલ્તિઓન્સ તો યોઉ ઈ અમ ફ્રોમુ જરત અન્દ વિશ યોઉ અલ્લ તો બે હપ્પ્ય અન્દ પ્રોસ્પેરોઉસ ઑઉરુ જ્રતો વેર્ન્મેન્ત ઇસ દોઇન્ગ એક્ષ્ત્રેમેલ્ય ગોૂદ્
    ટ્રુલ્ય યોઉર્સ્

    ષન્કેર્પ્રસદ હત્ત્ાઉથોર ઓફ ‘રયેર્સો ૂક્
    વેબ સિતે ‘વોર્લ્દ્પ્રયેર્સ્.ગોૂગ્લેપગેસ્ોમ્

    [The comment is not legible. Can you please correct/improve/change it ? otherwise, we will have to remove it. Please select appropriate language and keyboard for your comment. – Admin]

  9. Suresh Chaudhary
    Suresh Chaudhary September 23, 2017

    મા ભગવતીની સ્તુતિ ગાતા ખરેખર એક અલૌકિક દિવ્ય અનુભૂતિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.