Press "Enter" to skip to content

જેને ખબર નથી કે


ગઝલનો જન્મ ઉર્દુ-ફારસીમાં થયો હોવાનું મનાય છે. એ સમયની ગઝલોમાં સુરા, જામ, સાકી વગેરેનો ઉલ્લેખ અચૂક જોવા મળતો. એવા જ લોકો ગઝલની સભાઓમાં જતા. કદાચ બીજા કોઈ એમાં પહોંચી જાય તો તેઓને એની ગતાગમ જ ન પડે, એને યથાર્થરૂપે માણી ન શકે. શૂન્યે એથી જ આ ગઝલમાં કહ્યું કે જેને વિષય પરત્વેનું જ્ઞાન ન હોય એણે એવી જગ્યાઓએ નહીં જવામાં જ સાર છે.
*
સ્વર- મનહર ઉધાસ, આલ્બમ- આરંભ

*
નજીવા સ્વાર્થમાં જે મોતીઓ માટીમાં રોળે છે,
કરીને આબરુ લિલામ નિજનું નામ બોળે છે,
કરું તરફેણ એ પીનારની હું કઈ રીતે સાકી,
પીએ છે જેટલું એથી વધુ જે રોજ ઢોળે છે.
*
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?

સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?

અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?

મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?

– શૂન્ય પાલનપુરી

6 Comments

  1. Prakash N. Raval
    Prakash N. Raval April 27, 2014

    શૂન્ય લાગે છે
    શૂન્યનું આ નગર
    શૂન્ય વગર.

  2. Manish Joshi
    Manish Joshi November 20, 2013

    મનહરભાઈ ગઝલ ગાતા પહેલા મુક્તક કોનું છે એ અવશ્ય બોલે છે પણ આ ગઝલ માં સંભળાતું નહિ – હા ઉપરનું મુક્તક અમૃત સાહેબનું જ છે
    ——————————-
    એક રાજા હતો એક રાણી હતી
    એ તો તારી ને મારી કહાણી હતી

    કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી
    મારી તો વાટ આખી અજાણી હતી

    માત્ર એના અનુભવ થયા સૌ નવા
    પ્રીત તો એની સાથે પુરાણી હતી

    જિંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા
    જિંદગીમાં બીજી કયાં કમાણી હતી

    એક ચાદર હતી આભની ઓઢવા
    રાતના જોયું તો એ ય કાણી હતી

    ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું
    ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી.

    – બરકત વિરાણી ‘બેફામ’

  3. Viral Joshi
    Viral Joshi October 13, 2009

    જો શક્ય હોય તો મનહર ઊધાસની અનુભવ આલ્બમની એક રાજા હતો ગઝલ મુકવા વિનંતિ.

  4. Viral Joshi
    Viral Joshi October 13, 2009

    પ્રિતમ ભાઈ મને પણ ઍવું જ લાગે છે કે મુક્તક અમૃત ઘાયલનું છે. અને ઘણા સમય પછી ગઝલ વાંચીને જુના દિવસો યાદ આવી ગયા મિતિક્ષા.કોમનો આભાર માનુ એટલો ઓછો છે.

  5. preetam lakhlani
    preetam lakhlani September 11, 2009

    ગઝલ શુન્ય પાલનપુરીની છે એમાં કોઇ ના નહીં, પણ હુ ધારું છું ત્યાં સુધી મુક્તક અમૃત ઘાયલનું છે….

  6. Kanchankumari parmar
    Kanchankumari parmar August 29, 2009

    બહેકી ગયા છીએ પુરે પુરા અમે આ ગઝલ થી; નથી જાવું થવા બદનામ સુરાલયથી……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.