આશા અમર છે એમ કહેવાયું છે. શબરીની તપશ્ચર્યા કદાચ એનું અમર ઉદાહરણ છે. શબરીને પોતાના ગુરુના વચનોમાં દૃઢ વિશ્વાસ હતો. એના ગુરુ, મતંગ મુનિએ એને કહેલું કે આ કુટિયા પર એક દિવસ ભગવાન રામ તને દર્શન આપવા જરૂર આવશે. મતંગ મુનિના દેહત્યાગ પછી પણ એમના વચનોમાં અડગ શ્રદ્ધા રાખી એ રોજ ભગવાન રામના આગમનની રાહ જોતી રહી. રામ પધારશે – એ વિશ્વાસ શબરીના જીવનનો પ્રાણવાયુ થઈ પડ્યો. કથાકારોએ ભલે શબરીને ભગવાન રામને એંઠા બોર ધરનારી આદિવાસી બાઈ તરીકે ચીતરી પરંતુ વાલ્મિકી રામાયણમાં દર્શાવ્યા મુજબ શબરી તપસ્વિની અને યોગિની હતી, જે પોતાની યોગશક્તિ વડે રામ-લક્ષ્મણને સીતાની શોધમાં પંપા સરોવર તરફ જવાનું માર્ગદર્શન આપે છે. ભારતના ઈતિહાસને ઉજ્જવળ કરનાર કેટલીક રત્ન સમાન સ્ત્રીઓમાં જેની ગણના કરી શકાય એવી શબરીની તપશ્ચર્યાનું ચિત્રણ કરતું વારંવાર સાંભળ્યા કરવાનું મન થાય એવું આ ભજનગીત સાંભળીએ.
*
સંગીત – ગૌરાંગ વ્યાસ, સ્વર – કલ્યાણી કવઠાલકર
*
સરવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
વડલા નીચે ઝૂંપડી એની, નહીં માત નહીં બંધુ-બેની,
એકલડી એક ધ્યાને બેઠી ગાંડી કહે છે ગામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર નજરો ઘણી નાખી,
ફળ-ફૂલ લાવે, ભોગ ધરાવે, કરતી એનું કામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
માસ દિવસ ને વર્ષો ગયાં, શબરીબાઈ તો ઘરડાં થયા,
એક ઝગમગે આશા જોતી, સૂક્યા હાડ ને ચામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
આજે વનમાં વેણુ વાગે, વસંત સેના નીકળી લાગે,
શીતળ મંદ સુગંધી વાયુ વાતો ઠામો ઠામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
આજ પધાર્યાં શબરીનાં સ્વામી, ધન્યતા આજે ભીલડી પામી,
આશાવેલી પાંગરી એની, મનડું થયું વિરામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા
ભાવ ધરી ભગવાન પધાર્યા…
પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત શું પિછાણું
રાખી હ્રદય રઘૂ નાથ ની મૂરત, રામ રામ બસ રામ ઉચાર્યા…
આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નહિં મારે હવાલે
શાથી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા…
આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
હરિ દર્શનની આશ અમારી, ગુરૂજન કેરાં વચન વિચાર્યા…
સુણી અરજ અવિનાશી પધાર્યા, શબરી ના સંતાપ નિવાર્યા
એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્યા સુધાર્યા….
ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
દીન “કેદાર” હરિ અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યાં…
singer voice is superb and song is also nice.
પ્રતિવ્રતાની ટેક અને પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યેની અખંડ શ્રધ્ધા કદી નિષ્ફળ જતાં નથી.
ખુબ જ સુંદર અને કર્ણપ્રિય રજુઆત. ભાવવાહી સંગીત. અભિનંદન. આભાર.
ઘણું જ સુંદર ગીત છે.
ખુબ સરસ, ગમી જાય એવું ભજન.