શેર માટીની ખોટ નથી

April 10th, 2014
India votes

ભારત દેશ ગરીબ ભલે, પણ ભારતવાસી ભોટ નથી,
લુચ્ચા નેતાઓને માટે હવે એમના વોટ નથી.

વિકાસ માટે નાણાં વાપરવામાં છે ખોટું ના કૈં,
ધર્મ અને ઈમાનથી મોટી ખર્ચાયેલી નોટ નથી.

લોકના પૈસે મિજલસ કરનારા શયતાનો સમજી લો,
કરોડ ભૂખ્યાં લોકોને ઘર, ખાવા માટે લોટ, નથી.

રાજકારણી, રમતવીર કે ફિલ્લમબાજો જાય ચૂલે,
દેશદાઝથી હૈયું જેનું ઉકળે ના, એ હોટ નથી.

ભારતમાની ચિંતાનું કારણ સીધું ને સાદું છે,
અમીચંદના ઘેર હજીયે શેર માટીની ખોટ નથી.

ધીરજના ફળ મીઠાં જાણી રાહ જોઈ છાસઠ વરસો,
આશા ખૂટે ‘ચાતક’, એથી ભૂંડી કોઈ ચોટ નથી.

- © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

બે આંખના ઢોળાવમાં

March 25th, 2014


[Painting by Donald Zolan]

બાગબાઁને એ ન પૂછો, ધૂપમાં કે છાંવમાં,
ફુલને ઊગાડવાના હોય છે પથરાવમાં.

મચ્છરોની જેમ ડંખી જાય ડાળોને વસંત,
શ્હેર આખું થરથરે એના ગુલાબી તાવમાં.

આપણી ઈચ્છાય બાળક જેમ રમતી હોય છે,
પોક મૂકી શું રડો છો સાંપડેલા ઘાવમાં.

પાંપણો મીંચી જવાથી લાગણી રોકાય ના,
ડૂબવાનું હોય છે બે આંખના ઢોળાવમાં.

શ્વાસની સેના ભલેને હારતી આવી છતાં,
ઝૂઝવાનું અંત સુધી જિંદગીના દાવમાં.

બે ઘડી રાહત મળે છે કોઈની હમદર્દીથી,
આયખું વીતાવવું મુશ્કેલ છે સદ્ ભાવમાં.

સો વરસ ઘડિયાળનાં પણ આંખને ઓછાં પડે,
નીર ઊંડા નીકળે ‘ચાતક’ પ્રતીક્ષા-વાવમાં.

- © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

વચ્ચે અટકવામાં

March 10th, 2014
113.jpg

જગતની આંખ પર ચશ્મા થઈ ઊંધા લટકવામાં,
જીવન પૂરું થયું છે કૈંકનું અહીંયા ભટકવામાં.

સમયસર લક્ષ્ય સુધી પ્હોંચવાની હો મથામણ તો,
સમજદારી નથી હોતી કદી વચ્ચે અટકવામાં.

પ્રણયના કોલ તૂટે એટલે માયૂસ થઈ જાવું ?
અહીં તો શ્વાસ જેવા શ્વાસ પારવધા બટકવામાં.

સમય તો વીતતાં વીતી જશે પણ ઘાવ નહીં રુઝે,
કોઈની યાદ બાકી રાખશે ના કૈં ચટકવામાં.

જીવનની વારતાને કોણ રસથી વાંચતું ‘ચાતક’ ?
બધાનું ધ્યાન કેવળ છે અહીં જલ્દી છટકવામાં.

- © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

હર ક્ષણે અકબંધ છે

February 20th, 2014
06.JPG

જિંદગી તકદીર ને પુરુષાર્થ વચ્ચે જંગ છે,
સ્મિત ને આંસુ તો કેવળ કર્મના ફરજંદ છે.

પારકાંનું દુઃખ જોઈને હૃદય તારું રડે,
એ ક્ષણે તું માનજે કે તુંય મોટો સંત છે.

ટોચ પર પહોંચ્યા પછી એ સત્ય સમજાશે તને,
આભ જેવા આભનો પણ આખરે તો અંત છે.

મિત્ર, તું જેની વ્યથાના દમ ઉપર રોઈ રહ્યો,
એ જ તારી આવનારી કાલનો આનંદ છે.

તું સમયની ખાંભીઓને શ્વાસથી ચણતો નહીં,
શક્યતાઓ જિંદગીની હર ક્ષણે અકબંધ છે.

મારજે ‘ચાતક’ ટકોરા તું ફકત વિશ્વાસથી,
બારણાં એણે કરેલા એ જ આશે બંધ છે.

- © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

મુક્તકો

February 5th, 2014

પગલાં મળે વિચારનાં એવું બની શકે,
વંચાય કોઈ ધારણા, એવું બની શકે,
દસ્તક વિના જ દ્વારથી પાછા ફરેલ હાથ
ખોલે ભીડેલ બારણાં એવું બની શકે.
*
લોક છો કહેતા ફરે, વિધિના વિધાન છે,
આ હસ્તરેખાઓને ક્યાં કશીયે જાણ છે,
તારી ને મારી વાતમાં પડનારને કહેજે,
આ આજકાલની નહીં, ભવની પિછાણ છે.
*
રૂપ જોનારા અરીસાઓ શરાબી નીકળ્યા,
પથ્થરોને ચીરતાં એમાંય પાણી નીકળ્યા.
મેં તો કેવળ અર્થ એના નામનો પૂછ્યો હતો,
આંસુઓ પણ કેટલા હાજરજવાબી નીકળ્યા.
*
લાગણીના જામ છલકાવે તરસ,
આંખમાં દરિયો ભરી લાવે તરસ.
તું અગર વરસાદ થઈને આવ તો
શક્ય છે કે ભાનમાં આવે તરસ.
*
કદી બાદશાહ તો કદી ગુલામ થાઉં છું,
સમયના હાથે રોજ હું નીલામ થાઉં છું.
હું ચાલવા માંડુ તો રસ્તો બની જાઉં,
ને ઊભો રહું તો મુકામ થાઉં છું.
*
આગમન, એની પ્રતીક્ષા, બારણાંનો છે વિષય,
ને પછી એનું મિલન સંભારણાનો છે વિષય,
કાફિયાઓ લઈ વસાવું હું રદીફોના નગર,
શું હશે જાહોજલાલી, ધારણાનો છે વિષય.

- © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’