
અલવિદા 2025… સુસ્વાગતમ્ 2026
સૌ વાચકમિત્રોને ઈસુનું નવું વરસ સર્વ પ્રકારે સુખમય નીવડે એવી શુભેચ્છાઓ.
*
હલેસા પર ભરોસો રાખ કાં તો નાવ રહેવા દે,
જો દરિયો પાર કરવો હો તો જળની રાવ રહેવા દે.
વિકટ સંજોગ સામે બાથ ભીડવા સજ્જ થા, નહીંતર
સુનામીના પ્રદેશોમાં જવાનો ચાવ રહેવા દે.
તું જો, કે મિત્ર તારો ખુદ ફસાયો છે મુસીબતમાં,
બતાવા એને લાવ્યો છે તું તારા ઘાવ, રહેવા દે.
તું ચુકવી દામ શ્રદ્ધાના ખરીદી લેને ઘરબેઠાં,
ફરીને રોજ મંદિરમાં પૂછે છે ભાવ, રહેવા દે.
અને જો એમ લાગે કે મૂકીશ તો થઈ જશે મેલા
હસીન જો એટલા હો તો હવામાં પાંવ રહેવા દે.
સ્વભાવે વૃક્ષની ઉદારતા ખોટી નથી, કિન્તુ
જરૂર હો ધૂપની ત્યારે અકારણ છાંવ રહેવા દે.
તને પરદેશમાં સ્થાયી થયે વરસો થયા ઓ, દોસ્ત,
હવે જ્યાં ત્યાં આ મેરા દેશ, મેરા ગાંવ, રહેવા દે.
તને પણ એમ લાગે કે લખાવે છે કોઈ ગઝલો?
તો મકતામાં તું ‘ચાતક’ નામ તારું, સાવ રહેવા દે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – A Painting by Donald Zolan]