ટોચ પર પહોંચવાનું જેટલું અઘરું હોય છે તેનાથી પણ વધુ અઘરું ટોચ પર ટકી રહેવાનું હોય છે. ટોચ પર પહોંચ્યા પછીની એ જાગૃતિ છેલ્લી પંક્તિમાં ઝળકે છે. સાંભળો અમૃત ઘાયલની એક યાદગાર રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
*
કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઊભો છું,
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું.
પ્રત્યેક ગતિ, પ્રત્યેક સ્થિતિ, નિર્ભર છે, અહીં સંકેત ઉપર,
એના જ ઈશારે ચાલ્યો’તો, એના જ ઈશારે ઊભો છું.
આ તારી ગલીથી ઊઠી જવું, સાચે જ નથી મુશ્કિલ કિન્તુ,
તું સાંભળશે તો શું કહેશે, બસ એ જ વિચારે ઊભો છું.
આ દરિયાદિલી દરિયાની, હવા આકંઠ પીવા કેરી ય મજા,
ચાલ્યા જ કરું છું તેમ છતાં લાગે છે, કિનારે ઊભો છું.
સમજાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ઘેલું,
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઊભો છું.
સાચે જ જનાજા જેવી છે, એ દોસ્ત, દશા મારીય હવે.
કાલે ય મજારે ઊભો’તો, આજે ય મજારે ઊભો છું!
જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતાં,
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઊભો છું
– અમૃત ઘાયલ
સમજાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ઘેલું
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઊભો છું
“આપણી સૌની મનોદશા…”
સાચું કહ્યું…
સમજાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ઘેલું
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઊભો છું
વાહ્
આપણી સૌની મનોદશા