આજે એક મજાનું પ્રકૃતિગીત. કહેવાય છે કે માણસ જ્યારે પ્રકૃતિના ખોળે હોય છે ત્યારે સૌથી સુખી હોય છે. જેમણે એક દિવસ પણ પ્રકૃતિના ખોળે ગુજાર્યો હશે તેને આ ગીતની રમ્ય કલ્પનાના રંગોમાં રંગાવાનું મન થઈ આવશે. પહાડોના હાડ, નાડીમાં નદીઓનાં નીર, છાતીમાં બુલબુલનો માળો એક અદભૂત સર્જનશીલતા અને પ્રકૃતિની સંવેદનશીલતાનો પરિચય આપે છે. કવિ શ્રી જયંત પાઠકની એક સુંદર રચના એટલા જ સુંદર સ્વરાંકનમાં આજે સાંભળીએ.
*
સ્વર: દ્રવિતા ચોકસી; સંગીત: મેહુલ સુરતી
*
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
– જયંત પાઠક
સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;
-પ્રકૃ્તિ વિષે ખરેખર અતિ સુંદર રચના
હમણાં જ સાપુતારા જવાનું થયું ત્યારે લાગ્યું કે સમગ્ર જગતને આંખોમાં સમાવી અનંતમાં ખોવાઈ જાઉં.