એક ચોમાસું છલકે છે આંખમાં.
ડાળીથી પાંદડાઓ છૂટાં પડે છે આ પાનખરમાં એવી કૈં રીતે,
છૂટાં પડી ગયા પગલાંઓ કેડીથી આપણાં પણ અધૂરી પ્રીતે.
(હવે) શીર્ષક વિનાની ઘણી વાર્તાઓ ભીંજાતી આવે છે મળવા વરસાદમાં … એક ચોમાસું
આવીશ કહી તમે એવા ગયાં કે પછી સપનાંય આવ્યા ન આંખમાં,
પડતું મૂકીને મારી પાંપણથી પૂરે છે આંસુઓ કુવા બે આંખના,
આવી શકાય ના, એવુંય કહેવાને, આવશો એવા વિશ્વાસમાં… એક ચોમાસું
આપણા હથેળીની રેખાઓ જાણે કે ફૂટી આવી છે મારી ભીંતે,
લાગે છે શર્ત રોજ મારી ઘડીયાળથી, હું હારું કે કાંટાઓ જીતે,
‘ચાતક’ બની બેય બારસાખ ઊભા છે તારા જ પગલાંના સાદમાં … એક ચોમાસું
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
6 Comments