[સ્વર – મનહર ઉધાસ]
*
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરાયે મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
જોયું પગેરું કાઢી મહોબ્બતનું આજ તો,
એના સગડ દીવાનગીના ઘર સુધી ગયા.
તું આવશે નહીં જ હતી ખાતરી છતાં,
નિશદિન હરી ફરી અમે ઉંબર સુધી ગયા.
એવા હતા મનસ્વી કે આ પ્રેમમાં તો શું,
વેવારમાં ય ના અમે વળતર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તું સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ નિભાવવી’તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
– અમૃત ઘાયલ
*
[Above: Painting by Donald Zolan]