Press "Enter" to skip to content

Month: December 2010

બે ગઝલ

અલગ અલગ સમયે લખાયેલ .. સરખા રદીફવાળી બે ગઝલ ….

ભોળા હૃદયને એની ક્યાં જાણ હોય છે,
આંખોના આયનામાં અરમાન હોય છે.

એને કહી શકો છો નાદાનિયત તમે,
સ્વપ્નાં હકીકતોથી અણજાણ હોય છે.

ઝાકળનું માન રાખવા પલળી જવું પડે,
બાકી તો ફુલનુંય અભિમાન હોય છે.

પત્થરને પૂજવા વિશે બીજું તો શું કહું,
ઝૂકી જવામાં કોઈનું અપમાન હોય છે.

‘ચાતક’, ભલે ને આદમી નાનો ગણાય પણ,
એના રૂપે જ રાચતો ભગવાન હોય છે.

* * * * *


એની ઉઘાડી આંખમાં એ ધ્યાન હોય છે,
કે કોને એના આગમનની જાણ હોય છે.

કાતિલ નજરની વાતમાં ક્યાં છે નવું કશું,
આ પાંપણોનું નામ કદી મ્યાન હોય છે.

એના વિશે તો પારધીને પૂછવું પડે,
હર તીરમાં છૂપું કોઈ ફરમાન હોય છે.

નહીંતર જઈ વસે ના ભમરાં મકાનમાં ?
આશિક હૃદયને પ્રેમની પહચાન હોય છે.

‘ચાતક’ને શોધવા તમે શાને બધે ફરો,
મત્લા અને મક્તાની દરમ્યાન હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

ક્ષણનાં પારેવડાંને શોધીએ

ચાલ રવિકિરણોનાં માળામાં જઈને એક ક્ષણનાં પારેવડાંને શોધીએ,
ધુમ્મસના દરિયામાં ઘટના ખોવાઈ, જરા હળવે જઈ એને ઊલેચીએ.

ફુંદરડે ફરતાતાં, મંદિરની પાળ અને પિપળના પાન હજી યાદ છે,
છલકાતી ગાગરમાં મલકાતું જોબન ને ઉઘડેલો વાન હજી યાદ છે,
ગજરામાં ગૂંથેલા મોગરાની કળીઓને સંગ સંગ આજ ફરી મ્હોરીએ … ચાલ

પરભાતે પાંપણ પર સૂરજના કિરણોની પાથરી પથારીઓ હેતની,
દરિયાના મોજાં ને ભરતી ને ઓટમહીં વહીએ થઈ મુઠી-શી રેતની,
છીપલાંની છાતીમાં છૂપેલાં મોતી સમ સૂતેલાં સોણલાંને ગોતીએ … ચાલ

આ વહેવું એ જળ અને મળવું એ પળ તો જલધિની ઝંખના શું કામની ?
કોયલ ના ટહુકે જો આંબાની ડાળ તો એ મ્હોરેલી મંજરી શું કામની ?
હર્ષ અને શોકના વાદળાંઓ કાજળ સમ ‘ચાતક’શી આંખોમાં આંજીએ … ચાલ

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

સુખની પરિભાષા

આંગળીઓ કો’ક નોંધારાની પકડી જોઈએ,
ચાલ સુખની સૌ પરિભાષાઓ બદલી જોઈએ.

ભાવમાં ભીંજાવવાનું સુખ મળે કોઈક વાર,
આજ કોઈના અભાવોથીય પલળી જોઈએ.

જેમની હરએક પળ સંઘર્ષ છે અસ્તિત્વનો,
એમના જીવન કથાનક સ્હેજ પલટી જોઈએ.

તેલ દીવામાં પૂરી અંધારને અવરોધવા,
અંધ આંખોમાં થઈને નૂર ચમકી જોઈએ.

ઓસની બુંદો સમું ‘ચાતક’ જીવન છે આપણું,
કોઈના ચ્હેરા ઉપર થઈ સ્મિત ઝળકી જોઈએ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments