Press "Enter" to skip to content

Tag: ચાતક

હોંશિયારી ના કરે


*
ધીકતી દુકાન વેચી કોઈ લારી ના કરે,
જેમ દરજી સૂટ મૂકી ને સફારી ના કરે.

કોઈએ જોઈ હશે આકાશની ત્યાં શક્યતા,
ભીંતને અમથી જ કાપી કોઈ બારી ના કરે.

કેટલા વિશેષણો ઉપમા વિના રખડી પડત !
ખૂબ વિચાર્યા વિના ઈશ્વર યે નારી ના કરે.

ગાઢ આલિંગન અને ચુંબનમાં સંયમ રાખવો,
જોઈ લો, આખી નદી દરિયોય ખારી ના કરે.

પોતપોતાનું શહેર બધ્ધાંને વ્હાલું લાગતું,
આઈસનો હલવો થવાની જીદ ઘારી ના કરે.

મોત તો આશ્ચર્ય ને રોમાંચનો પર્યાય છે,
આવતાં પહેલાં કદી નોટિસ એ જારી ના કરે.

એક પળ ક્યારે સદી થઈ જાય એ કહેવાય નહીં,
એટલે ‘ચાતક’ સમયથી હોંશિયારી ના કરે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]

6 Comments

ઈશ્વર


*
તારા લીધે બધાંને લોચો પડે છે ઈશ્વર,
તારો જ ક્લાસ ને તું મોડો પડે છે, ઈશ્વર?

દુનિયાના હાલ જોઈ, આવે વિચાર મનમાં?
તું તારી હેસિયતથી મોટો પડે છે ઈશ્વર !

એવું નથી કે કાયમ અટકે છે કામ મારાં,
શ્રદ્ધાની સામે મારી ટૂંકો પડે છે ઈશ્વર.

કાચા કે પાકા જોયા વિના જ વેડી નાખે,
લાગે છે આવડતમાં કાચો પડે છે ઈશ્વર.

વાદળને જોઈને એ આવ્યો વિચાર મનમાં,
તારી ય આંખથી શું છાંટો પડે છે ઈશ્વર?

જેવી રીતે ફળે છે વહેલી સવારના કૈં,
સપનાંની જેમ તું પણ સાચો પડે છે ઈશ્વર?

સેલ્ફીનો છે જમાનો, એકાદ ફોન લઈ લે,
પાડીને જો કે તારો ફોટો પડે છે ઈશ્વર?

આજે હું મારી ‘મા’ના જોઈ રહ્યો તો ફોટા,
તું પણ સમયની સાથે ઝાંખો પડે છે ઈશ્વર?

એકસો ને આઠ મણકા, એકસો ને આઠ નંબર,
તું પણ ઝડપની બાબત ખોટો પડે છે ઈશ્વર?

દોડીને આવ જલદી ‘ચાતક’ની પ્રાર્થનાથી,
તારાય માર્ગમાં શું કાંટો પડે છે ઈશ્વર?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

3 Comments

દૃશ્ય ક્યાંથી લાવવા ?

આંખને ઠારી શકે એ દૃશ્ય ક્યાંથી લાવવા ?
સાવ સીધી વાતમાં રહસ્ય ક્યાંથી લાવવા ?

ઊમ્રની સાથે વહીને કાળગર્તામાં ગયા,
દોસ્ત, વીતેલા સ્મરણ તાદૃશ્ય ક્યાંથી લાવવા ?

સ્મિત કરતાં ફડફડે છે લોક અહીં એકાંતમાં,
એમના ચ્હેરે ફરી અટ્ટહાસ્ય ક્યાંથી લાવવા ?

સાંજ પડતાં આથમીને અસ્ત થાતાં દેહમાં,
ફેર સૂર્યોદય સમા આયુષ્ય ક્યાંથી લાવવા ?

ભીંત પર લટકી કરે વરસાદ આશીર્વાદનો,
આદમી એવા હવે અદૃશ્ય ક્યાંથી લાવવા ?

જીવવા માટે જરૂરી હાડ-સ્નાયુ-ચામ છે,
શ્વાસ ‘ચાતક’ પણ અહીં અવશ્ય, ક્યાંથી લાવવા ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

દરરોજ હોવી જોઈએ


તસવીર – Lotus Temple, Delhi (2009)

પંથને કાયમ ચરણની ખોજ હોવી જોઈએ,
મંઝિલો પણ રાહબર હો, તો જ હોવી જોઈએ.

જિંદગી દોઝખ ભરેલી હોય તો ચાલી જશે,
કમ-સે-કમ સપનામહીં તો મોજ હોવી જોઈએ.

રોજ ઊગી આથમે એ સૂર્યને કહેજો જરા,
ચાંદની મારા ઘરે દરરોજ હોવી જોઈએ.

કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે,
આ નદીઓ બાપને ઘર બોજ હોવી જોઈએ.

એક-બે સપનાં ઝઝૂમે કેટલું ‘ચાતક’ અહીં,
જીવવા માટે જરૂરી, ફોજ હોવી જોઈએ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

ઝરણાં મળી ગયાં


મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ પ્રસ્તુત છે. આશા છે આપને ગમશે.

આંખો જરી ખુલી અને સપનાં ફળી ગયાં,
રેતીના ગામમાં મને ઝરણાં મળી ગયાં.

મૃગજળની ધારણા અહીં વ્હેતી હશે કદી,
એથી તો હાંફતા મને હરણાં મળી ગયાં.

ઉદભવની શક્યતા વિશે અટકળ કરી શકું,
બે-ચાર વાદળાં મને જળમાં મળી ગયાં.

ઝાકળને બાતમી હશે એના નગર વિશે,
કારણ કે બાગમાં મને પગલાં મળી ગયાં.

એકાદ જો ખુશી હતે, વ્હેંચી શકત નહીં,
સારું કે એમનાં મને ઢગલાં મળી ગયાં.

કેવી કઠિન સાધના ‘ચાતક’ કરી હશે,
કરગરતાં ઝાંઝવા મને હમણાં મળી ગયાં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments

ન લાવ તું


પ્રિય મિત્રો, આજે મારા સ્વરચિત મુક્તકો રજૂ કરું છું. આશા છે આપને એ ગમશે.
*

*
આંખ મારી નમ ભલે પણ ઝળઝળાં ન લાવ તું,
કંઠ રુંધેલો ભલે, પણ ગળગળાં ન લાવ તું,
લાવવી હો તો લઈને આવ, વૈશાખી ક્ષણો,
ભર વસંતે પાનખરનાં ખરખરાં ન લાવ તું.
*
શેર માટી ખોટ હો ત્યાં બાળપણ ન લાવ તું,
રાજગાદી ઠોઠ હો ત્યાં શાણપણ ન લાવ તું,
પ્રેમના આ ઢાઈ અક્ષર, છે સમજવાના સરળ,
એને માટે બુદ્ધિ કેરું ગાંડપણ ન લાવ તું.
*
જે સભામાં હો દુઃશાસન, રાજ હો ધૃતરાષ્ટ્રનું,
જે સભામાં માન હો ના ધર્મનું, મર્યાદનું,
જે સભામાં ચીર પૂરવા કાજ કો’ માધવ નહીં,
એ સભાની મધ્યમાં કો’ દ્રૌપદી ન લાવ તું.
*
દૃશ્યમાં બાધા કરે એવા વમળ ન લાવ તું,
ના જુએ કોઈ ભ્રમર, એવા કમળ ન લાવ તું,
જ્યાં હસે, હૈયે વસે, જાહોજલાલી સ્મિતની,
(એ) ઊપવનોના શહેરમાં દુષ્કાળને ન લાવ તું.
*
સૂર્ય સામે જઈ ઉડે એ રજકણો ન લાવ તું
લક્ષ્યને આઘાં કરે એ વળગણો ન લાવ તું
લડખડે જેનાં થકી આ ઉન્નતિ કેરાં કદમ
બેઈમાની, સ્વાર્થ, સત્તા-લોભને ન લાવ તું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments