Press "Enter" to skip to content

સાંવરિયા રમવાને ચાલ !


આજકાલ વસંત ઋતુ ચાલી રહી છે. ઋતુઓના પરિવર્તનની અસર મહાનગરોમાં દેખાતી કે અનુભવાતી નથી. નવી પેઢીના લોકો માટે કદાચ કેસૂડાંના ફૂલ જોવાનું પણ નસીબમાં નથી. આવા સમયે આ રચના આપણને એક નવિન દુનિયામાં લઈ જાય છે. એમ કહેવાય કે વસંત એટલે કામદેવતાની પ્રિય ઋતુ. સૃષ્ટિ આખી આ સમે નવપલ્લવિત થાય, એના પ્રભાવથી કુદરત ન બચે તો માનવીની વાત જ શી કરવી. એટલે જ અહીં પ્રેમિકા એના સાંવરિયાને રંગ અને સુગંધના સરવરમાં ઝુમવા બોલાવી રહી છે. ફરીફરી સાંભળવાનું મન થાય એવું સુંદર ગીત માણો આરતી મુન્શી અને અનાર કઠિયારાના સ્વરમાં.
*
આલ્બમઃ હસ્તાક્ષર; સંગીતઃ ક્ષેમુ દિવેટીયા

*
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતાં આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝાં તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયાં અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપનાં !!
થઈને ગુલાલ આજ રંગે ધરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

– સુરેશ દલાલ

2 Comments

  1. Hemant Desai
    Hemant Desai April 16, 2011

    ખુબ સુન્દર ગાયકી !

  2. Dr Kirit Thakkar
    Dr Kirit Thakkar May 14, 2019

    Very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.