Press "Enter" to skip to content

યા હોમ કરીને પડો


હિંમત કરવાનો પ્રસંગ આવે એટલે દરેક ગુજરાતીના મોં પર એક જ પંક્તિ આવે .. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આજકાલ ગુજરાતમાં પરીક્ષાની મોસમ છે. SSC અને HSC બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આશા અને નિરાશા વચ્ચે ઝૂલા ઝૂલતાં દેશના ભાવિ યુવાનોની મનોસ્થિતિનો વિચાર આવે છે. નબળું રિઝલ્ટ આવતાં આપઘાત કરવા તૈયાર થનારા સંવેદનશીલ યુવામાનસને જે ટટ્ટારી અને ખુમારીની જરૂર છે એ આ ગીતમાંથી મળી રહેશે. કવિ નર્મદની આ બહુપ્રસિદ્ધ રચનાનું હૃદય મેહુલભાઈએ ખુબ સુંદર રીતે સંગીતમાં ઝીલ્યું છે. નિરાશ હો, હતાશ હો એવી પળોમાં આ ગીત સાંભળજો. જો ટટ્ટારી, ખુમારી અને જોમ-જુસ્સો ના ઉભરાય તો કહેજો.
*
આલ્બમ- નર્મદધારા, સ્વરાંકન- મેહુલ સુરતી

*
યા હોમ કરીને પડો ફતેહ છે આગે,
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નેપોલિયન ભીડ્યો યુરોપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામા,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુઃખ સહુ ભાગે…યા હોમ..

-કવિ નર્મદ

4 Comments

  1. Paresh
    Paresh May 8, 2010

    ખુબ સરસ હિંમતે મર્દા તો મદદે ખુદા… મજા આવી..

  2. DR. CHANDRAVADAN MISTRY
    DR. CHANDRAVADAN MISTRY March 17, 2010

    કવિ નર્મદને અમર રાખતું આ છે કાવ્ય એનું !
    LIKED it as POST ! Daxesh & Mitixa….Waiting for you on Chandrapukar….Hope to see you soon ! Please revisit !
    – DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)

  3. Tadrash
    Tadrash March 8, 2010

    રૉમ રૉમ માં જોમ ચડી જાય ઍવુ ગીત. આ સાથે હાલનાં સમય ના સંદર્ભ માં આ ગીત માં સંવેદના નો પણ ચિતાર જોવા મળે છે.

    નર્મદ નું આઆવુ બિજુ ઍક ગીત : ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું,………
    સુંદર રચના….

  4. Dilip
    Dilip March 7, 2010

    ખુબ સુંદર જુસ્સો ચડી જાય તેવું પ્રેરક ગીત રજુ કર્યુ છે..વિદ્યાર્થીઓને પણ શીખ આપે છે.. બહુ સરસ કંપોજીશન અને ગાયકી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.