મિત્રો, આજે સાંભળીએ એક મજાનું ગીત-ગરબો.
*
આલ્બમ- અમર સદા અવિનાશ, સ્વર- શિવાંગી
*
વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી
દાડમડીના દાણા રાતાચોળ, રાતાચોળ સે
પગમાં લક્કડ પાવડી ને જરીયલ પ્હેરી પાઘલડી
પાઘલડીનાં તાણાં રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની.
આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,
ઈશાની વાયરો વિંઝણું ઢોળે, વેરી મન મારું ચડ્યું ચકડોળે
નાનું અમથું ખોરડું ને, ખોરડે ઝુલે છાબલડી
છાબલડીના બોર રાતાચોળ, રાતાચોળ સે….વગડાની.
ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીરથ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે
મૈયર વચ્ચે માવલડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડીનાં નયણાં રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની…..
એક રે પારેવડું પિપળાની ડાળે, બીજું રે પારેવડું સરોવર પાળે
રૂમઝુમ રૂમઝુમ જોડલી હાલે, નેણલા પરોવીને નેણલા ઢાળે
સોના જેવો કંથડો ને હું સોનાની વાટકડી
વાટકડીમાં કંકુ રાતાચોળ, રાતાચોળ સે.
– અવિનાશ વ્યાસ
રોજ રોજ નવા ગીત સાંભળીને મનને આનંદ આવે છે. મારી એક ઈચ્છા છે તે કેટલાય દિવસ થી પૂરી થઈ નથી. મારે એક જુનું ગીત દૂરદર્શન પર આવતું હતો કે શહેર નહિ હૈ હૈ સન્નાટા રોજ રમે છે આટા પાટા.. ખુબ ઈચ્છા છે. જો મળી શકતું હોય તો સંભળાવવા વિનંતી.