Press "Enter" to skip to content

Month: August 2010

આંસુઓ પીવાય છે


દુષ્કાળપિડીત માનવીઓની વ્યથા આલેખતી ગઝલ….

એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ?
જળ નહીં તો આંસુઓ પીવાય છે.

રણમહીં વરસ્યા કરે છે મૃગજળો,
ને હરણ થઈ જીંદગી જીવાય છે.

રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે.

તું લખે છે હસ્તરેખામાં ગઝલ,
ને અમારી પાંપણો ભીંજાય છે.

આશ તો ‘ચાતક’ બદનનું વસ્ત્ર છે,
જે નિરાશાઓ વડે ચીરાય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

19 Comments

એ યાદ આવે છે


(તસવીર સૌજન્ય – સ્વર્ગારોહણ)
સુપ્રસિદ્ધ સંત-સાહિત્યકાર શ્રી યોગેશ્વરજી (૧૫ ઓગષ્ટ, ૧૯૨૧ – ૧૮ માર્ચ, ૧૯૮૪)ને એમના જન્મદિને અર્પણ ….

હતા કેવા પરમ યોગી તમે, એ યાદ આવે છે,
કરી અંધારમાં જ્યોતિ તમે, એ યાદ આવે છે.

જીવનનું ધ્યેય સમજાવી બતાવ્યાં પામવા સાધન,
ધર્યા અણમોલ જે મોતી તમે, એ યાદ આવે છે.

સકળ વિઘ્નો વટાવીને થયાં સંસિદ્ધિથી ભૂષિત,
બતાવી ધ્યેય પર પ્રીતિ તમે, એ યાદ આવે છે.

મૂકી તવ હાથ અમ શિર પર અભયનાં દાન જે દીધાં,
હરી લીધી સકળ ભીતિ તમે, એ યાદ આવે છે.

નયન ‘ચાતક’ બની ઝંખી રહ્યા છે આપનાં દર્શન,
લૂછો છો આંખ સહુ રોતી તમે, એ યાદ આવે છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

ઝરણાં મળી ગયાં


મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ પ્રસ્તુત છે. આશા છે આપને ગમશે.

આંખો જરી ખુલી અને સપનાં ફળી ગયાં,
રેતીના ગામમાં મને ઝરણાં મળી ગયાં.

મૃગજળની ધારણા અહીં વ્હેતી હશે કદી,
એથી તો હાંફતા મને હરણાં મળી ગયાં.

ઉદભવની શક્યતા વિશે અટકળ કરી શકું,
બે-ચાર વાદળાં મને જળમાં મળી ગયાં.

ઝાકળને બાતમી હશે એના નગર વિશે,
કારણ કે બાગમાં મને પગલાં મળી ગયાં.

એકાદ જો ખુશી હતે, વ્હેંચી શકત નહીં,
સારું કે એમનાં મને ઢગલાં મળી ગયાં.

કેવી કઠિન સાધના ‘ચાતક’ કરી હશે,
કરગરતાં ઝાંઝવા મને હમણાં મળી ગયાં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments

જીવતો રાખ્યો મને


મિત્રો, બેહાલ માનવીની વ્યથા વ્યક્ત કરતી ગઝલ. આશા છે આપને ગમશે.

જિંદગી બેહાલ છે પણ જીવતો રાખ્યો મને,
એ સમયની ચાલ છે કે જીવતો રાખ્યો મને.

હું વીંધાવા નીકળ્યો તો, કો’ સુવર્ણમૃગ સમ,
કો’ક નબળા પારધીએ જીવતો રાખ્યો મને.

પ્રેમ તો એવી બલા છે કોઈને છોડે નહીં,
આગ નફરતની હશે કે જીવતો રાખ્યો મને.

કર્મનો સિધ્ધાંત છે ફળ ભોગવો નિજ કર્મના,
કેટલા ભારણ હશે કે જીવતો રાખ્યો મને.

એમ તો સ્હેલું હતું ડૂબી જવું સમદરમહીં,
ચંદ શ્વાસોના જહાજે જીવતો રાખ્યો મને.

ક્યારનો ફાટી જતે ‘ચાતક’ અમારોયે પતંગ,
ક્ષીણ આશાદોર બાંધી જીવતો રાખ્યો મને.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

18 Comments