Press "Enter" to skip to content

Tag: આસિમ રાંદેરી

કિંતુ મારી લીલા ક્યાં છે


લીલાના પાત્રને પોતાનાં સર્જનો દ્વારા અમર બનાવનાર આસીમ રાંદેરી સાહેબની એક નજમ આજે માણીએ. જેમ કાળઝાળ ગરમી પછી થયેલો પહેલો વરસાદ નથી ભૂલાતો એમ પ્રેમવાંચ્છું હૃદયની ધરતી પર પ્રથમ પ્રણયની પળો હંમેશને માટે જડાઈ જાય છે. પછી જીવનભર એ સ્થાન પર જઈ પ્રણયની મધુર સ્મૃતિઓને વાગોળવાનું ગમે છે. ખાસ કરીને એવે સમયે જ્યારે પોતાનું પ્રિય પાત્ર સમીપ ન હોય અને એનો વિરહ વિહવળ કરતો હોય, બેચેન કરતો હોય. તાપીના તટ પર વિતાવેલ મધુર પળોની સ્મૃતિનું સુંદર ચિત્રણ માણો મનહર ઉધાસના મખમલી સ્વરમાં.
*

*
એ જ બગીચો,એ જ છે માળી, એ જ ઉષા-સંધ્યાની લાલી,
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી, કોયલ બુલબુલ ડાલી ડાલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ બહારો બાગની અંદર, પ્રેમનાં જાદુ, રૂપનાં મંતર,
એ જ પતંગા દીપના ઉપર, એ જ કમળ છે, એ જ મધુકર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ ફુવારો ને ફુલવારી, રંગબેરંગી પ્યારી પ્યારી,
મખમલ સમ આ ઘાસ પથારી, જે પર દિલની દુનિયા વારી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ હજી છે ચૂઈ ચમેલી, આગિયાઓની જ્યોત જડેલી,
આંબાડાળે જુઓ પેલી, એ જ ચકોરી ચંદા ઘેલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

ચાંદ સિતારા એ જ ગગનમાં, મસ્તી એની એ જ પવનમાં,
તાપી પણ છે એ જ વહનમાં, એ જ ઉમંગો મારા મનમાં,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

વડ પર બંને નામ હજી છે, થડ પર કોતરકામ હજી છે,
બે મનનો સુખધામ હજી છે, સામે મારું ગામ હજી છે,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ છે રોનક તાપી તટ પર, એ જ છે સામે લીલાં ખેતર,
વર્ષાની ઝરમરમાં મનહર, દૂર જ સંતા મસ્જીદ મન્દર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

આસીમ આજે રાણી-બાગે, ઊર્મિને કાં ઠેસ ન વાગે ?
મસ્ત પવનમાં પુષ્પ પરાગે, કેમ મને વૈરાગ ન જાગે ?
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

– અસીમ રાંદેરી

9 Comments

લીલાનું થાશે મિલન આજ રાતે


હમણાં થોડા દિવસો પહેલાં જ 104 વર્ષની જૈફ વયે જન્નતનશીન થનાર સુપ્રસિદ્ધ ગુજરાતી શાયર આસીમ રાંદેરીની એક નજમ આજે માણીએ. પ્રેયસી સાથેના મિલનની પળને કવિઓએ વિવિધ રીતે વ્યક્ત કરી છે પણ આ કૃતિમાં એક અવનવા રોમાંસનો અનુભવ થાય છે. કલમથી આટલી સુંદર રીતે મિલનને કલ્પી શકનાર રાંદેરી સાહેબના વાસ્તવિક જીવનમાં લીલા નામે ખરેખર કોઈ પ્રેયસી હતી કે કેમ તે તો તેઓ જ જાણે પરંતુ એમણે પોતાની રચનાઓ વડે લીલાને અમરત્વ બક્ષ્યું એમાં કોઈ શક નથી. સાહિત્યસભાઓમાં લીલા .. લીલાની બૂમોથી જેમને વધાવાતા એવા રાંદેરી સાહેબની કૃતિને માણો મનહર ઉધાસના સ્વરમાં.
*
સ્વર – મનહર ઉધાસ, આલ્બમ: આવાઝ

*
સુંવાળો છે શીતળ પવન આજ રાતે,
પ્રસારે છે ખુશ્બુ ચમન આજ રાતે,
રુપેરી છે આંખો ગગન આજ રાતે,
ખીલે કાં ન કુદરતનું મન આજ રાતે;
ન કાં હોય એ સૌ મગન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

હતી કલ્પનામાં જે રાહતની દુનિયા,
મને જોવા મળશે એ રંગતની દુનિયા,
મુહોબ્બતની આંખો મુહોબ્બતની દુનિયા,
બની જાશે ઘર એક જન્નતની દુનિયા;
થશે હૂરનું આગમન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

જીવનને કહો આશ દિપક જલાવે,
હૃદય લાગણીઓના તોરણ બનાવે,
ઉમંગો શયનસેજ સુંદર બનાવે,
નયનનું છે એ કામ પાંપણ બિછાવે;
પધારે છે એ ગુલબદન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

વહે છે નસેનસમાં જેની મુહોબ્બત,
નયનમાં છે જેની સદા રમ્ય સૂરત,
હૃદય મારું છે જેની સંપૂર્ણ મિલકત,
કવનમાં છે જેની જવાનીની રંગત;
હું ગાઈશ એના કવન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

હું દમ જેની પ્રીતીનાં ભરતો રહ્યો છું,
જૂદાઈમાં જેની હું મરતો રહ્યો છું,
વિચારોમાં જેનાં વિચરતો રહ્યો છું,
કવિતા સદા જેની કરતો રહ્યો છું,
થશે એના સો સો જતન આજ રાતે;
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

પ્રથમ પ્રેમમંદિરમાં લાવીશ એને,
પછી ભેટ દિલની ધરાવીશ એને,
બધી આપવિતી સુણાવીશ એને,
કહું શું કે શું શું જણાવીશ એને;
થશે દિલથી દિલનું કથન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

કહો કોઈ ‘આસિમ’ને વીણા ઉઠાવે,
ગઝલ એક મીઠી મિલનની સુણાવે,
ન ઉતરે નશો એવી રંગત જમાવે,
મુહોબ્બતનાં માદક તરંગે ચઢાવે,
એ પૂરું કરે છે વચન આજ રાતે;
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

– આસિમ રાંદેરી

6 Comments