લીલાના પાત્રને પોતાનાં સર્જનો દ્વારા અમર બનાવનાર આસીમ રાંદેરી સાહેબની એક નજમ આજે માણીએ. જેમ કાળઝાળ ગરમી પછી થયેલો પહેલો વરસાદ નથી ભૂલાતો એમ પ્રેમવાંચ્છું હૃદયની ધરતી પર પ્રથમ પ્રણયની પળો હંમેશને માટે જડાઈ જાય છે. પછી જીવનભર એ સ્થાન પર જઈ પ્રણયની મધુર સ્મૃતિઓને વાગોળવાનું ગમે છે. ખાસ કરીને એવે સમયે જ્યારે પોતાનું પ્રિય પાત્ર સમીપ ન હોય અને એનો વિરહ વિહવળ કરતો હોય, બેચેન કરતો હોય. તાપીના તટ પર વિતાવેલ મધુર પળોની સ્મૃતિનું સુંદર ચિત્રણ માણો મનહર ઉધાસના મખમલી સ્વરમાં.
*
*
એ જ બગીચો,એ જ છે માળી, એ જ ઉષા-સંધ્યાની લાલી,
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી, કોયલ બુલબુલ ડાલી ડાલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.
એ જ બહારો બાગની અંદર, પ્રેમનાં જાદુ, રૂપનાં મંતર,
એ જ પતંગા દીપના ઉપર, એ જ કમળ છે, એ જ મધુકર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.
એ જ ફુવારો ને ફુલવારી, રંગબેરંગી પ્યારી પ્યારી,
મખમલ સમ આ ઘાસ પથારી, જે પર દિલની દુનિયા વારી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.
એ જ હજી છે ચૂઈ ચમેલી, આગિયાઓની જ્યોત જડેલી,
આંબાડાળે જુઓ પેલી, એ જ ચકોરી ચંદા ઘેલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.
ચાંદ સિતારા એ જ ગગનમાં, મસ્તી એની એ જ પવનમાં,
તાપી પણ છે એ જ વહનમાં, એ જ ઉમંગો મારા મનમાં,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.
વડ પર બંને નામ હજી છે, થડ પર કોતરકામ હજી છે,
બે મનનો સુખધામ હજી છે, સામે મારું ગામ હજી છે,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.
એ જ છે રોનક તાપી તટ પર, એ જ છે સામે લીલાં ખેતર,
વર્ષાની ઝરમરમાં મનહર, દૂર જ સંતા મસ્જીદ મન્દર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.
આસીમ આજે રાણી-બાગે, ઊર્મિને કાં ઠેસ ન વાગે ?
મસ્ત પવનમાં પુષ્પ પરાગે, કેમ મને વૈરાગ ન જાગે ?
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.
– અસીમ રાંદેરી
આ નઝમ આસિમ સાહેબ નુ અમર કીતિ છે
આસિમ સાહેબ ની ગઝબ ની લીલા
વાહ…ચંદા ઘેલી ચકોરી…👌👌👌👌 superb…
અદભુત !!!
અશ્રુઓની સહજ ધારાઓ વહેવા લાગે એવું ચોટદાર..
અદભુત…… કાલીદાસના મેઘદૂતની એ પ્રણયઘેલી ગૃહિણી પોતાના પતિ યક્ષને પામવાની વાત
કચિત કાન્તા વિરહ ગુરુનામ ….. ની યાદ તાજી કરાવી. આભાર.
આસિમ સાહેબની એક સુન્દર ગઝલ – “એક દિ સર્જક ને અવ્યો કૈક અજબ જેવો વિચાર, દન્ગ રહી જાયે જગત એવું કરું સર્જન ધરાર” મળી શક્શે ?
[Already posted .. Check here – Admin]
સરસ નજમ
સુંદર નજમ…
ડુબતા ઘંટારવ ના સાદ જેવો રહ્યો હું વીરમી; મળશો તમે ક્યારે તેની મને ખબર નથી…..
આંબાડાળે જુઓ પેલી, એ જ ચકોરી ચંદા ઘેલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે?
જીવનસંગિની સાથે વિતાવેલ મધુર પળોની સ્મૃતિ અને એના વિરહથી સર્જાયેલ ખાલિપાનું સુંદર ચિત્રણ !વાહ્!