Press "Enter" to skip to content

કમાલ કરે છે


પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમ કોઈ ઉંમરનો મોહતાજ નથી. પ્રેમ કરવો એ યુવાનો અને યુવાનીનો ઈજારો નથી. વાળ સફેદ થયા પછી પાંગરતા મધુર પ્રેમની સોનેરી ઝલક સુરેશ દલાલની આ કૃતિમાંથી મળે છે. કદાચ જેટલો પ્રેમ લાલ ગુલાબ, ચોકલેટ કે પ્રેમપત્રોની પરિભાષામાં નહિ છલકતો હોય તેટલો વૃદ્ધાવસ્થામાં એકમેકને ગરમાગરમ નાસ્તો, મસાલા ચા કે પછી યાદ કરી-કરાવીને દવાની ગોળીઓ આપવામાં ઉભરતો હશે. પ્રૌઢાવસ્થાના પ્રેમની આ સુંદર ભાવોભિવ્યક્તિને માણો બે અલગ સ્વરોમાં
*
સ્વર – નીરજ પાઠક, આલ્બમ: હસ્તાક્ષર; સંગીત: શ્યામલ-સૌમિલ

*
સ્વર- બાલી બ્રહ્મભટ્ટ

*
કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે? … કમાલ કરે છે

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે છે. … કમાલ કરે છે

પગમાં આવે જો ક્યાંક એકાદ પગથિયું
તો ડોસો ડોસીનો પકડી લે હાથ
ડોસો તો બેસે છે છાપાંના છાપરે
ને ડોશીને હોય છે રસોડાંનો સાથ
આઠ દસ દિવસ પણ છુટ્ટાં પડે તો
બંને જણ ફોન પર બરાડ કરે છે… કમાલ કરે છે

કાનમાં આપે છે એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલ-ધમાલ કરે છે… કમાલ કરે છે

ડોસી તો સાંજે મંદિરમાં જાય અને
ડોસો તો જાય છે બારમાં
બંનેના રસ્તા લાગે છે જુદાં પણ
અંતે તો એક છે સવારમાં
ડોસો ને ડોસી જાગીને જુએ
તો પ્હાડ જેવા કાળને કંગાલ કરે છે … કમાલ કરે છે

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે … કમાલ કરે છે

-સુરેશ દલાલ

10 Comments

  1. Dr Bipinchandra Contractor
    Dr Bipinchandra Contractor November 24, 2008

    વૃદ્ધાવસ્થામાં પણ ટકી રહેલા દાંપત્યપ્રેમની અનોખી તરેહને રોચક શૈલીમાં રજૂ કરતું સુરેશ દલાલનું સુંદર કાવ્ય અને બંને ગાયકોના આગવાં સ્વરાંકનને પહેલી જ વખત મા’ણવાની સાચે જ મજા આવી ગઈ! એ સર્વને અને દક્ષેશભાઈને અભિનંદન!!!

  2. pragnaju
    pragnaju November 25, 2008

    પ્રસન્ન દાંપત્યનું સદા બહાર ગીત
    મધુરી ગાયકી

  3. kaushik patel
    kaushik patel November 25, 2008

    કમાલ કરે છે………ખરેખર કમાલ કરી છે. આનન્દ આવી ગયો. આભાર.

  4. ATUL
    ATUL November 26, 2008

    ડોસા અને ડોસી ના પ્રેમને શબ્દોનુ સુંદર રુપ આપીને સુરેશ દલાલ તો કમાલ કરે છે

  5. ashwin-sonal
    ashwin-sonal December 1, 2008

    કમાલ કરે છે, કમાલ કરે છે,
    એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

    ડોસો વાંચે અને ડોસીને મોતિયો
    બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
    લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે,
    જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
    દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
    ઘરની દિવાલને ગુલાલ કરે છે … કમાલ કરે છે

    પ્રેમને ક્યાંય કૈં નડે છે. આ તો કમાલ છે કે બધાને પ્રેમ મળે છે તે પણ આ ઉમરે. આમાંથી ઘણું શીખવાનું છે. બહુ સરસ.

  6. Kanchankumari Parmar
    Kanchankumari Parmar August 17, 2009

    આ તે થોડા નવા નવા પ્રેમીઓ છે કે વાત વાતમાં લડે-ઝગડે અને છુટા થાય. અહીંયા રંગ ખુબ પાકો ચઢ્યો છે એટલે રિસાવુ કંઇક આઘુ પણ એક બીજાની કાળજીની વાત વધારે છે.

  7. Nipa
    Nipa February 21, 2011

    aa gito download karva male to saru

  8. Madhu Vyas
    Madhu Vyas February 22, 2011

    ખુબ જ સુંદર અભિવ્યક્તિ છે આ કાવ્યમાં. લગભગ બધા જ દંપતિ વચ્ચે રોજ આવું જ કૈંક ચાલતું હોય છે અને ક્ષણે ક્ષણે પ્રેમની પરસ્પર આપલે થતી હોય છે. મજા આવી ગઈ.

  9. Mayur Raval
    Mayur Raval August 24, 2012

    ગુજરાતી સાહિત્યરૂપી સરિતાના અમુલ્ય ગીતો સાંભળીને ગુજરાતના દરેક સાહિત્યકાર, ગીતકાર અને ગાયકને સલામ કરવાનું મન થાય છે.

  10. Dienshbhai Darji
    Dienshbhai Darji October 7, 2012

    પ્રસન્ન દાંપત્યનું સદા બહાર ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.