Press "Enter" to skip to content

લીલાનું થાશે મિલન આજ રાતે


હમણાં થોડા દિવસો પહેલાં જ 104 વર્ષની જૈફ વયે જન્નતનશીન થનાર સુપ્રસિદ્ધ ગુજરાતી શાયર આસીમ રાંદેરીની એક નજમ આજે માણીએ. પ્રેયસી સાથેના મિલનની પળને કવિઓએ વિવિધ રીતે વ્યક્ત કરી છે પણ આ કૃતિમાં એક અવનવા રોમાંસનો અનુભવ થાય છે. કલમથી આટલી સુંદર રીતે મિલનને કલ્પી શકનાર રાંદેરી સાહેબના વાસ્તવિક જીવનમાં લીલા નામે ખરેખર કોઈ પ્રેયસી હતી કે કેમ તે તો તેઓ જ જાણે પરંતુ એમણે પોતાની રચનાઓ વડે લીલાને અમરત્વ બક્ષ્યું એમાં કોઈ શક નથી. સાહિત્યસભાઓમાં લીલા .. લીલાની બૂમોથી જેમને વધાવાતા એવા રાંદેરી સાહેબની કૃતિને માણો મનહર ઉધાસના સ્વરમાં.
*
સ્વર – મનહર ઉધાસ, આલ્બમ: આવાઝ

*
સુંવાળો છે શીતળ પવન આજ રાતે,
પ્રસારે છે ખુશ્બુ ચમન આજ રાતે,
રુપેરી છે આંખો ગગન આજ રાતે,
ખીલે કાં ન કુદરતનું મન આજ રાતે;
ન કાં હોય એ સૌ મગન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

હતી કલ્પનામાં જે રાહતની દુનિયા,
મને જોવા મળશે એ રંગતની દુનિયા,
મુહોબ્બતની આંખો મુહોબ્બતની દુનિયા,
બની જાશે ઘર એક જન્નતની દુનિયા;
થશે હૂરનું આગમન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

જીવનને કહો આશ દિપક જલાવે,
હૃદય લાગણીઓના તોરણ બનાવે,
ઉમંગો શયનસેજ સુંદર બનાવે,
નયનનું છે એ કામ પાંપણ બિછાવે;
પધારે છે એ ગુલબદન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

વહે છે નસેનસમાં જેની મુહોબ્બત,
નયનમાં છે જેની સદા રમ્ય સૂરત,
હૃદય મારું છે જેની સંપૂર્ણ મિલકત,
કવનમાં છે જેની જવાનીની રંગત;
હું ગાઈશ એના કવન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

હું દમ જેની પ્રીતીનાં ભરતો રહ્યો છું,
જૂદાઈમાં જેની હું મરતો રહ્યો છું,
વિચારોમાં જેનાં વિચરતો રહ્યો છું,
કવિતા સદા જેની કરતો રહ્યો છું,
થશે એના સો સો જતન આજ રાતે;
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

પ્રથમ પ્રેમમંદિરમાં લાવીશ એને,
પછી ભેટ દિલની ધરાવીશ એને,
બધી આપવિતી સુણાવીશ એને,
કહું શું કે શું શું જણાવીશ એને;
થશે દિલથી દિલનું કથન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

કહો કોઈ ‘આસિમ’ને વીણા ઉઠાવે,
ગઝલ એક મીઠી મિલનની સુણાવે,
ન ઉતરે નશો એવી રંગત જમાવે,
મુહોબ્બતનાં માદક તરંગે ચઢાવે,
એ પૂરું કરે છે વચન આજ રાતે;
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

– આસિમ રાંદેરી

6 Comments

  1. Vipul
    Vipul June 27, 2016

    Please guide me how can I download the same, this is awesome ghazal (y)

    • Daxesh
      Daxesh July 1, 2016

      sorry, but there is no download facility

  2. Sapana
    Sapana November 20, 2009

    પ્રથમ પ્રેમમંદિરમાં લાવીશ એને,
    પછી ભેટ દિલની ધરાવીશ એને,
    બધી આપવિતી સુણાવીશ એને,
    કહું શું કે શું શું જણાવીશ એને;
    થશે દિલથી દિલનું કથન આજ રાતે,
    કે લીલાનું થાશે મિલન આજ રાતે.

    પ્રેમની પરાકષ્ટા .ધન્ય બન્ને પ્રેમીઓને અને આભાર દક્ષેશ્ભાઈ… અને મનહર ભાઈને સુમધુર અવાજ માટે…સપના

  3. Dilip Gajjar
    Dilip Gajjar February 22, 2009

    રુપેરી (રુકેલી) છે આંખો ગગન આજ રાતે,
    જીવનને કહો આશ ( આજ) દિપક જલાવે, અનેકવાર સાંભળવી ગમે તેવી આ નઝમ છે…

  4. Dilip Gajjar
    Dilip Gajjar February 21, 2009

    સાંભળતાં ખુબ જ ભાવમાં વહી જવાયું..એક તરફ લીલાના મિલનની પ્રતિક્ષા બીજી તરફ તેના પ્રિયતમ આસિમનું આ દુનિયાથી ચાલી જવું..મનહરનો પણ વિરહયુક્ત સૂકા સ્વરમા ગાયન. અદભૂત સંયોગ…આ રચના મારી પાસે નહોતી… રજૂઆતકર્તાનો આભાર !

  5. vishwadeep
    vishwadeep February 21, 2009

    મનહર ઉધાસે સુંદર રીતે ગાયેલ આ ગઝલ ઘણી ગમી.. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.