*
રાત આખી રોઈને બેઠા છીએ,
કેટલું કૈં ખોઈને બેઠા છીએ.
સ્વપ્નથી મેલી થયેલી આંખને,
આંસુઓથી ધોઈને બેઠા છીએ.
જે હથેળીમાં ન’તી ચિતરાઈ, બસ
એજ રેખા જોઈને બેઠા છીએ.
વીજળી ચમકીને કરશે શું હવે,
મોતીઓ તો પ્રોઈને બેઠા છીએ.**
નામ ‘ચાતક’ એટલે ધાર્યું અમે,
મનમાં ધારી કોઈને બેઠા છીએ.
*
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
** (વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ …. ગંગાસતીનું પુણ્યસ્મરણ)
[Above – Painting by Donald Zolan]
અતિ સુંદર રચના.
વાહ, ખૂબ જ સુંદર રચના! આફરિન!
નીચેની પંક્તિમાં એક નાનકડું સૂચન, જો યોગ્ય લાગે:
” જે હથેળીમાં ન’તી ચિતરાઈ, બસ” – ની જગ્યાએ
‘હથેળીમાં જે ન’તી ચિતરાઈ, બસ’ વધુ દીપશે.
હિતેશભાઈ,
કુશળ હશો. આપને ગઝલ ગમી તેનો આનંદ.
બીજું, આપના સૂચન પ્રમાણે ફેરફાર કરવા જતાં ગઝલનો છંદ ખોડંગાશે.
સૂચન બદલ આભાર.