
*
રાત આખી રોઈને બેઠા છીએ,
કેટલું કૈં ખોઈને બેઠા છીએ.
સ્વપ્નથી મેલી થયેલી આંખને,
આંસુઓથી ધોઈને બેઠા છીએ.
જે હથેળીમાં ન’તી ચિતરાઈ, બસ
એજ રેખા જોઈને બેઠા છીએ.
વીજળી ચમકીને કરશે શું હવે,
મોતીઓ તો પ્રોઈને બેઠા છીએ.**
નામ ‘ચાતક’ એટલે ધાર્યું અમે,
મનમાં ધારી કોઈને બેઠા છીએ.
*
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
** (વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ …. ગંગાસતીનું પુણ્યસ્મરણ)
[Above – Painting by Donald Zolan]