લાગણીની ઝંખના માણસને હમેશા રહે છે. કોઈ પાણીની જેમ સ્પર્શે એ વાત જ કેટલી સંવેદનાથી ભરેલી છે. વીરુ પુરોહિતની આ લાગણીભીની રચના અધૂરા સંબંધોની સંવેદનાને ધાર કાઢી આપે છે. આપણા સંબંધ જાણે શીર્ષક વિનાની વારતા … કેટલું બધું કહી જાય છે. થોડા સમય પહેલાં આપણે માણેલી માધવ રામાનુજની રચના – પાસ પાસે તોયે કેટલાં જોજન .. યાદ આવ્યા વિના નથી રહેતી. માણો આ સુંદર ગીત અમર ભટ્ટના સ્વરાંકનમાં.
*
*
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે
આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજ ના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં
પડછાતી દૂરતા નેવાંની ધારમાં,
ને રોજ ધોધમાર કોઈ વરસે..કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે
રોજરોજ આંખ્યુંમાં મળવાનાં પક્ષીઓ
ઈચ્છાનું આભ લઈ આવતાં;
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા
એકાદી આંગળીને બંસી બનાવી,
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે … કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે
– વીરુ પુરોહિત
શ્રી દક્ષેશ ભાઇ,
વીરુ પુરોહિતની આ કવિતા બ્લોગ પર મુકીને તમે મને ઘણા સમયથી મનમાં રમતા “સ્પર્શ” વિષે લખવાના વિચારને ગતી આપી અને મેં બ્લોગ લખ્યો તમે જરુર વાંચજો.- આભાર
સ્પર્શની ધોધમાર લાગણીઓ એટલે આ કાવ્ય- સુંદર, ખુબ જ સુંદર.
બહુ જ સરસ ગીત….ગમતાનો ગુલાલ !
ખૂબ જ આનંદ થયો. સ્વરાંકન ખૂબ જ ગમ્યું. આપ ત્રણેનો આભાર.
લાગણીથી લથબથતા શબ્દોને ભાવવાહી સ્વરે ખુબ સુંદર રીતે વાચા આપી.