Press "Enter" to skip to content

Tag: death

છેલ્લું પ્રવચન

આજે સવારે ડૉ. રેન્ડી પોઉશનું અવસાન થયું. ઘણાં લોકોએ ડો. રેન્ડી પૉઉશનું નામ નહીં સાંભળ્યું હોય. અમેરિકાની વિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપન કરાવતા આ પ્રોફેસરને કેન્સર થયાનું નિદાન થયું. ત્રણ સંતાનોના પિતા એવા ડૉ. પોઉશ અસાધ્ય કેન્સર હોવા છતાં નિરાશ કે નાહિંમત ન થયા, પરંતુ બીજા લોકોને જીવનની પ્રેરણા દેતા ગયા.

એમની યુનિવર્સીટીમાં રીટાયર્ડ થતા પ્રોફેસર એક અંતિમ પ્રવચન આપે એવી પ્રણાલિ છે. એમણે આપેલું પ્રવચન માત્ર પ્રણાલિ પુરતું કારકીર્દીનું અંતિમ પ્રવચન ન હતું, પણ જીવનનું અંતિમ પ્રવચન બનવાનું હતું. એમનું એ પ્રવચન એટલું તો પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી હતું કે સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ મારફત ફેલાઈ ગયું. અધધધ થઈ જવાય એટલી સંખ્યામાં એને લોકોએ જોયું. કેટલાયની આંખો ભીંજાઈ, કેટલાયના હૈયા હલી ગયા, કૈંકના કાળજા કોરાઈ ગયા.

અહીં સાંભળો એમનું ઓપરા વિનફ્રેના શોમાં અપાયેલ વ્યક્તવ્ય. આશા છે એમાંથી આપણને જીવનની પ્રેરણા મળશે.

સાથે સાથે વાંચો … મરણ વિશે કવિઓનું ચિંતન

4 Comments

મૃત્યુ

[ આજે ઉપરની પોસ્ટમાં લખ્યા મુજબ કાર્નેગી મેલન યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રેન્ડી પાઉશનું અવસાન થયું. એથી સહજ રીતે જ મૃત્યુ વિશે ચિંતન ચાલ્યું. થયું કે લાવ, મરણ વિશે કવિઓનું ચિંતન અહીં રજૂ કરું તો અસ્થાને નહીં ગણાય. ]

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને,
ટપાલ થઈને તમે ઘેરઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
– રમેશ પારેખ

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ મળવાને ત્યાં આખી સભા આવે.
-કૈલાશ પંડીત

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

રડ્યા ‘બેફામ’ મારા મરણ પર સૌ એ જ કારણથી
હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી !
– બેફામ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’
કે હું પથારીમાં રહું ને આખુ ઘર જાગ્યા કરે…
– મરીઝ

મોત કેરા નામથી ગભરાઉ એવો હું નથી,
બીકથી વહેવાર ચુકી જાઉં એવો હું નથી,
જાન દીધો છે ખુદાએ ચાર દિ માટે ઉધાર,
એનો પાછો સોંપતા ખચકાઉં એવો હું નથી.
– શૂન્ય પાલનપુરી

જન્મની સાથે જ મૃત્યુનો ચુકાદો હોય છે
કાળની પણ કેટલી નિર્મમ મુરાદો હોય છે
– ચંદ્રેશ શાહ

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઈ હર એક રસ્તા નીકળે
– રમેશ પારેખ

મૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી
વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા
– હેમેન શાહ

જવાનું ચોક્કસ આ જગથી,
જન્મ મરણની મહા નિસરણી
આ તો લઘુ પગથી …
– યોગેશ્વરજી

તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે ?
રહે છે કેદ એની એ ફક્ત દિવાલ જ બદલે છે.
– અમૃત ઘાયલ

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
જોવા તમાશો એક વાર ગુજરી જવું પડે.
– રવિ ઉપાધ્યાય

જીવતાં જાણ્યું નહીં ને આજ મરવાના પછી,
ના કરો ફુલો થકી, મારા કફનની છેડતી.
– ડો. સુચેતા ભડલાવાલા 

રેત ભીની તમે કરો પણ રણ સમંદર કદી નહીં લાગે,
શબને પુષ્પ તમે ધરો પણ મોત સુંદર કદી નહીં લાગે.

[ હજી ઘણું ઘણું યાદ આવે છે પણ અત્યારે આટલું જ … કારણ, તમને કંઈ યાદ આવે તો ઉમેરી શકો ને ? ]

3 Comments