Press "Enter" to skip to content

આવી ગઈ હોળી


મિત્રો, આજે હોળી છે. હોળી એક એવો તહેવાર છે જે ગરીબથી માંડી તવંગર સુધી બધા જ માણસોને સ્પર્શે છે. એને માણવા-ઉજવવા માટે બહુ પૈસાની જરૂર નથી પડતી. આદીવાસીઓને માટે એ ખાસ તહેવાર ગણાય છે. કામ કરવાવાળા મજૂરો આ સમયે પોતાના ગામ પંદર વીસ દિવસની રજા લઈને ચાલ્યા જાય છે. શહેરોમાં રંગ અને ગુલાલનો તહેવાર ધૂળેટી હોળીને બીજે દિવસે ઉજવાય છે.  સાચને આંચ નથી લાગતી એ માન્યતા દૃઢાવતી હોળિકાની પુરાણી કથા હોળીના તહેવાર પાછળ ચાલી આવે છે. આપણે પણ આશા રાખીએ કે આપણી અંદર રહેલી સત્યની જ્યોતને આંચ ન આવે. હોળી નિમિત્તે આજે માણીએ એક સુંદર ગીત.
*
સંગીત: અવિનાશ વ્યાસ; સ્વર: આરતી મુન્શી; આલ્બમ: અમર સદા અવિનાશ

*
મારો દેવરીયો છે બાંકો, એની લાલ કસુંબલ આંખો
એણે રંગ ઢોળી, રંગી જ્યારે રેશમની ચોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

આમ તો હું બહું બોલકણી પણ આજે ના બોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

ફટકેલ ફાગણિયો, કુણી કુણી લાગણીઓ
ઘેરી ઘેરી શરણાઈ છેડે રંગ ભરી લાગણીઓ
દેવર નમણો પણ નઠારો, કપરો આંખ્યુંનો અણસારો
મને ભરી બજારે રંગે, રમવા ખૂણામાંથી ખોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

સોહે ગાગર મુખડું મલકે, માથે ગાગર દીવડો ઝબકે
મદભર માનુનીની આંખે જોબનિયું રે ઝલકે
ઘુમે ઘાઘરાની કોર ઝૂમે ઝૂમખાની જોડ
જ્યારે શેરી વચ્ચે ઢોલ છેડતો રમી રહ્યો ઢોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.

– અવિનાશ વ્યાસ

One Comment

  1. Dr.Hitesh Chauhan
    Dr.Hitesh Chauhan March 10, 2009

    જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,અને અમીબેન
    આપ સર્વેને હોળીની શુભકામનાઓ.
    દિયર અને ભાભીના પ્રેમ અને મસ્તીભર્યા સંબંધો રજું કરતું આ ગીત મને ખુબ જ ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.