શૂન્ય મારા સૌથી પ્રિય ગઝલકાર છે. એમની ગઝલોમાં તત્વજ્ઞાનનું ઉંડાણ ભરેલું છે. પ્રસ્તુત ગઝલ એ મારી મનગમતી ગઝલોમાંની એક છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણે આત્મ સ્વરૂપ છે અને આપણે પરમાત્માના અંશરૂપ છીએ. જો પરમાત્મ તત્વ બધે વિલસી રહ્યું હોય તો પછી આપણું પણ બધે જ અસ્તિત્વ છે, બધા જ આપણને પહેચાને. જે વાત ધર્મગુરુઓના ગહન પ્રવચનો ન સમજાવી શકે તે શૂન્યે કેટલી સરળ રીતે સમજાવી દીધી છે.
*
સ્વર : મનહર ઉધાસ
*
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.
– શૂન્ય પાલનપુરી
લાગે ભલે તમને હું ખાલી શીશી પણ હતો હું ક્યારેક મોંઘો ભરેલા જામ થઈ……માણસ પોતે જ પોતાને ઓળખી શકે છે પછી ભલે બીજા જે ધારે તે.
This ghazal has been recorded in Ashit Desai’s voice. That is also pleasant.
આ રચના ખુબ ગમી. હજી પણ અહિંયા આવી જ રચના મુકતા રહો. ખુબ ખુબ આભાર.
દિલને ગમ્યું. આભાર.