Press "Enter" to skip to content

ઓ હૃદય !


પહેલી નજરનો પ્રેમ ઘણીવાર એકતરફી હોય છે. અર્થાત્ એક વ્યક્તિના હૃદયમાં સંવેદન થાય છે પણ સામેની વ્યક્તિના હૃદયમાં એનો પ્રત્યાઘાત પડતો નથી. પણ એ જ તો પ્રેમની ખૂબી છે. પ્રેમમાં દિલ એવાનું ગુલામ થઈ જાય છે જે એના નથી થયેલાં હોતા. તો અંતિમ પંક્તિમાં મૃત્યુ પછીનું દેખાવા માટે કરાતું રુદન કવિને કઠે છે. કારણ જે વ્યક્તિઓ જીવનમાં દુઃખનું કારણ બની હોય છે તે મૃત્યુ પછી મગરના આંસુ સારતી દેખાય છે. માણો ‘બેફામ’ની આ સુંદર રચના મનહર ઉધાસને કંઠે.
*
આલ્બમ: સૂરજ ઢળતી સાંજનો

*
ઓ હૃદય ! તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !

સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે તમે પણ એ રીતે ભૂલી શકો;
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુ:ખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌ મને લૂંટી ગયા,
કાંઈ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લૈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને.

સાકી જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહીં,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત;
જ્યારે જ્યારે આપ આવ્યા છો ખિલાવ્યો છે મને.

એ બધાં ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંયે જિન્દગી આખી રડાવ્યો છે મને.

– બરકત વિરાણી ‘બેફામ’

8 Comments

  1. Prafulbhai Doshi, Morbi
    Prafulbhai Doshi, Morbi April 2, 2020

    Really a heart beat shayari. In his every word his own life password for us to understand him and his life.

  2. Tadrash Shah
    Tadrash Shah March 29, 2011

    A great lyric by ‘Befaam’ Saheb..
    It might have rendered the injuries on heart of many, open once again. Nothing can be more romantic than something that takes you back to the days of first romance on teenage..

  3. પાગલ
    પાગલ January 11, 2011

    હું તો ‘બેફામ’ નો ફૅન બની ગયો છું…..

  4. Maharshi
    Maharshi August 16, 2009

    આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
    મેં ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને.

    આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
    મેં ગુમાવ્યા એમને, એણે પણ ગુમાવ્યો છે મને.

    ઉપરના શેરમા ‘પણ’ લખવાનું છે.

  5. Kanchankumari parmar
    Kanchankumari parmar August 10, 2009

    બેફામ, જેમણે રડાવ્યાં તમને તેણે કદી હસાવ્યાં પણ હશે…. જિંદગી છે આવું બધું તો ચાલ્યાં જ કરે…….

  6. Darshan
    Darshan May 8, 2009

    ખરેખર સગા વહાલા નથી થતા અને વ્હાલા સગા નથી થતા…

  7. sapana
    sapana May 7, 2009

    એ બધાં ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
    એ બધાંયે જિન્દગી આખી રડાવ્યો છે મને.
    વાહ અને આહ નીકળી ગઈ…
    સપના

  8. એ બધાં ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
    એ બધાંયે જિન્દગી આખી રડાવ્યો છે મને.

    ચોટદાર વ્યંગ. સરસ ગઝલ અને મનહર ઉધાસ વિશે તો શું કહું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.