Press "Enter" to skip to content

Tag: પુરુષોત્તમ ઉપાધ્યાય

મંઝિલને ઢૂંઢવા


ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ચરાતિ ચરતો ભગઃ । અર્થાત્ ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે. પ્રગતિ કરવી હોય તો સાહસ કરવું પડે, માદરે વતન છોડીને નવી દિશાઓમાં પગ માંડવા પડે. ગુજરાતની પ્રગતિનું એક કારણ આ સંદેશને આત્મસાત કરી ગુજરાત છોડી વિશ્વભરમાં પોતાના સાહસ, સૂઝ અને મહેનતને બળે સ્થિર થયેલા ગુજરાતીઓનું પીઠબળ છે. જેની એકેક પંક્તિ વારેવારે ગાવાનું મન થયા કરે તેવી રવિ ઉપાધ્યાયની આ રચનાને માણો પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે.
*

*
મંઝિલને ઢૂંઢવા દિશાઓ કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.

બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો કરો ,
પત્થરનાં દેવને કદી પ્રગટી જવું પડે.

દર્શન પ્રભુનાં પામવાં કપરી કસોટી છે,
અર્જુનનાં રથના ચક્રની ધરી થવું પડે.

પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,
જોવાં તમાશો એક વાર ગુજરી જવું પડે.

– રવિ ઉપાધ્યાય

2 Comments

મારી કોઈ ડાળખીમાં


આ ગીત મારા પ્રિય ગીતોમાંનું એક છે. એક નિર્મોહીની ખુમારી અને ટટ્ટારીને આ રચના આબેહુબ રીતે વ્યક્ત કરે છે. જે ડાળખીને પાંદડા જ ન હોય એને પાનખરની શી બીક ? વળી રચનાને અંતે મુકાયેલ ‘બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવ’ … અત્યંત મનનીય છે. પુરુષોત્તમભાઈ, જેમણે ગુજરાતી સંગીતને દેશવિદેશમાં ગુંજતું કર્યું, તેમના કંઠથી આ ગીત અમર બન્યું છે, આપણને વારંવાર વાગોળવાનું મન થાય એવું છે.
*
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

*
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા/શહીદ થવા (?) ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

– અનિલ જોષી

6 Comments