Press "Enter" to skip to content

જીવનની શરૂઆત હતી


ભતૃહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે ભોગોને ભોગવતાં ભોગવતાં અમે જ ભોગવાઈ ગયા. અર્થાત્ જીવનની પરિસમાપ્તિ થવા આવી પણ ભોગથી તૃપ્તિ ન થઈ. જીવનમાં માણસની સાથે પણ આવું જ કંઈ બને છે. નાનપણમાં ઢીંગલા-ઢીંગલી રમતા હોય છે. એ બાળપણની પહેલી પ્રીત હોય છે. ઢીંગલી છૂટી જાય પછી યુવાનીમાં પ્રેયસી સાથે પ્રીત મંડાય છે. એ પણ છેવટે નંદવાઈ જાય ત્યારે ઘડપણમાં મૃત્યુ સાથે જ પ્રીત કરવાની બાકી રહે છે. બીજી પ્રીત કરતાં મૃત્યુ સાથેની પ્રીત જુદી છે કારણ એ મિલન સનાતન છે. એમાં જુદાઈનો અવકાશ નથી. મૃત્યુ એ અનિવાર્ય સત્ય છે એનું ઉદઘાટન ખુબ સુંદર રીતે થયું છે. મનહર ઉધાસનો કંઠ રચનાને માધુર્ય આપે છે.
*
આલ્બમ: આવકાર

*
બાળપણમાંથી જવાની ને જવાનીથી જરા
જિંદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો.
*
જીવનની શરૂઆત હતી તો ઢીંગલી સાથે પ્યાર કર્યો
હું એની સાથે રમતો’તો એ મારી સાથે રમતી’તી
હું કંઈ ના બોલી શકતો’તો એ પણ ક્યાં બોલી શકતી’તી
એ વચન વગરની પ્રીત હતી, એ ભાષા વિનાનો પ્યાર હતો
એ શબ્દ વિનાના ગીત હતા, એ બાળકનો સંસાર હતો

એ ઢીંગલી પણ છીનવાઈ ગઈ ….
બે શબ્દ જરા હું શીખ્યો ને એ દોલત પણ લૂંટાઈ ગઈ

પછી આપની સાથે પ્યાર કર્યો,
મેં પાયલ સાથે પ્રીત કરી, કાળી આંખો સાથે પ્યાર કર્યો,
મીઠા શબ્દો ઉપર મીટ ધરી, ગોરા ગાલો સાથે પ્યાર કર્યો,
એ પ્રકરણ સંકેલાઈ ગયું ….
એ જામ ન આવ્યા હોઠ સુધી ને એ ઝરણું સૂકાઈ ગયું.

હવે બાકી એક જ પ્રીત રહી અને તે છે મૃત્યુ સાથેની ..
એમાં નિષ્ફળતાને સ્થાન નથી,
એક વાર મિલન જો થઈ જાયે પછી વિરહને ત્યાં અવકાશ નથી.

– રચનાકાર (?)

[ફરમાઈશ કરનાર મિત્ર – અલ્કેશ પટેલ]

3 Comments

  1. નીલ પટેલ
    નીલ પટેલ January 11, 2011

    આ સુંદર ગીત બદલ આપનો ખુબ ખુબ આભાર. જો હુ ખોટો નાં હોઉં તો આ ગીતના રચનાકાર શ્રી સૈફ પાલનપુરી છે.

  2. Dilip
    Dilip March 2, 2009

    ખુબ જ યથાર્થ તત્વજ્ઞાનયુક્ત.. ભાવવાહી રચના…મનહરના મધુર કંઠે સાંભળી.. ભાવસાગરમાં વહન…
    બાલસ્તાવક્રિડાસક્ત તરુણસ્તાવ તરુણીરક્તઃ
    વૃધસ્તાવતચિન્તામગ્નઃ પરે બ્રહ્મણી કોપિના લગ્નઃ
    આ રચના મુકવા બદલ આપનો ખુબ ખુબ આભારી છું…

    • Nirav Banker
      Nirav Banker February 10, 2020

      ગઝલ સાંભળી મન ખુબ જ પ્રફુલ્લિત થયું..
      ૩૦ વર્ષ પછી એ દિવસો સામે આવ્યા..
      લાગણી ફરીથી ભીંજાઈ ગઈ…
      ધન્ય આભાર સહદય.. મનહરભાઈ, સૈફભાઈ તથા મિતિક્ષા.કોમને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.