Press "Enter" to skip to content

Month: October 2008

સરદાર પટેલ

આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલનો જન્મદિન. વલ્લભભાઈ પટેલ કે જેને ભારત સરદારના નામે ઓળખતું થયું તે માત્ર ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી જ ન હતા પણ સાચા અર્થમાં ભારતનું નેતૃત્વ સંભાળનાર સરદાર હતા. અંગ્રેજ સરકારે જ્યારે ભારતને આઝાદી આપવાનું નક્કી કર્યું ત્યારે એકલો ભાગલાનો પ્રશ્ન જ નવા જન્મેલ રાષ્ટ્રને ભેટ નહોતો આપ્યો પરંતુ ભારતના સાડા પાંચસો જેટલા રજવાડાંઓને મન થાય ત્યાં જોડાવાનો વિકલ્પ આપી અપાર શિરોવેદના આપી હતી. સરદાર પટેલે કુનેહ વાપરી એ સર્વ રજવાડાંઓનું એકત્રીકરણ ન કર્યું હોત તો આજે ભારતનો નક્શો જુદો જ હોત. જેટલો યશ આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીજીને મળ્યો તેટલા જ યશના ભાગી સરદાર પટેલ હતા. પરંતુ પક્ષાપક્ષીના રાજકારણને લીધે ગુજરાતના એ સપૂતને યોગ્ય સન્માન નથી મળ્યું એ હકીકત છે. અને નવી પેઢીને સ્વાતંત્ર્યતાના ઈતિહાસને જાણવાની બહુ પડી નથી, એને લીધે સરદાર જેવા ગુજરાતના સપૂતને થતો અન્યાય કાયમી રહે તો નવાઈ નહીં.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણથી માંડી બારડોલી સત્યાગ્રહ જેવા અનેકવિધ સુવર્ણ પ્રકરણો જેમના યશસ્વી જીવન સાથે સંકળાયેલા છે તેવા સરદાર પટેલને નિહાળો સૌરાષ્ટ્ર સંઘની રચના સમયે. વિડીયોમાં સરદાર પટેલના સમારંભ ઉપરાંત જવાહરલાલ નહેરુ દ્વારા જહાજને અર્પણ કરવાના પ્રસંગને પણ આવરી લેવાયો છે તે જાણ ખાતર.

સરદાર પટેલના જીવન અને કાર્ય વિશે વધુ માહિતી મેળવવા અહીં જુઓ.

3 Comments

પાર જઈએ


આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. થોડા દિવસો પહેલાં ભારતે ચંદ્રયાનનું સફળ પ્રક્ષેપણ કર્યું અને 2015 સુધીમાં ચંદ્ર પર માનવી ઉતારવાનું ભારતનું સ્વપ્ન છે. એ હકીકત બને ત્યારની વાત ત્યારે. પણ કલમના માધ્યમથી તો સૂરજ અને ચાંદની પારના પ્રદેશમાં અવશ્ય જઈ શકાય. એના પર ક્યાં પાબંદી છે…  માનવ તરીકે આપણે ક્યાં જવાનું છે ? આપણે તો આપણા અહંના કોચલાને તોડી એકમેકના હૃદય સુધી પહોંચવાનું છે. પૂર્વગ્રહોની પાર જવાનું છે, એ જ સર્જનનો ધ્વનિ છે.

સૂરજ જઈએ, ચાંદ જઈએ, નભની પેલી પાર જઈએ
ચરણ મળે જો ચાલવા તો ઈન્દ્રધનુને ઢાળ જઈએ.

બળબળતા જીવનમાં તરસ્યા રહીને ટળવળવાનો શ્રાપ,
છોડીને રણનાં રસ્તાઓ, ઝાકળજળની માંહ્ય જઈએ

શીત સમંદર, વિપુલ વારિ, ખારાશ તોય રહી સારી,
પૂર્વગ્રહોનાં છીપલાં તોડી મોતી થઈને બ્હાર જઈએ.

ચાર દિવસની જિંદગાનીમાં ભૂલભૂલામણી છે ભારી
રક્ત, ત્વચા ને માંસપેશીને ભેદી ભવની પાર જઈએ.

ધર્મસભા જ્યાં યુધિષ્ઠિરની, ટેક પિતામહ ભીષ્મ તણી,
દાનવીર જ્યાં કર્ણ વસે એ મહાભારતની પાળ જઈએ.

મેવાડી મીરાંની મૂરત મ્હેંકે છે મન-અંતર માંહ્ય
ગિરધર નાગર ગાતાં ‘ચાતક’ ગિરિધારીને દ્વાર જઈએ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું


સૌ વાચકોને નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવત 2065નું નવું વર્ષ સૌને સર્વપ્રકારે શુભદાયી અને ફળદાયી નીવડે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આજે નવા વર્ષ નિમિત્તે સાંભળો મુનિ ચિત્રભાનુએ લખેલ સુંદર પ્રાર્થના બે અલગ અલગ સ્વરોમાં.
*
સ્વર- મુકેશ

*
આલ્બમ- પ્રાર્થનાપોથી, પ્રકાશક- સૂરમંદિર

*
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું

– મુનિ શ્રી ચિત્રભાનુ

18 Comments

શુભ દિપાવલી


પ્રિય વાચકમિત્રો,
સૌને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે …
આંગણે પૂરેલા સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે
દિવાળી માત્ર ફટાકડા અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં
પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને એવી હાર્દિક શુભેચ્છા.

આ પર્વદિને એવી પ્રાર્થના કરીએ કે
કોઈકના જીવનદીવડાંમાં આપણે પ્રકાશ રેલી શકીએ,
કોઈક મૂરઝાયેલાં ચ્હેરાંઓ પર સ્મિત ઝળકાવી શકીએ …
કોઈને જીવનઆંગણે મધુર રંગોલી કરી શકીએ …
ફટાકડાનાં શોરમાં દીનદુઃખીયાનો આર્તનાદ ભૂલી ન જઈએ..
ઈશ્વરે આપણને જે આપ્યું હોય તેમાંથી થોડું બીજાને વહેંચીએ …
અને આવું એક દિવસ જ નહીં, આવનાર પ્રત્યેક દિવસે કરીએ
પ્રત્યેક પળને ઉલ્લાસથી વધાવીએ
અને નિત્યનવા ઉત્સાહ અને ઉમંગથી જીવનનો ઉત્સવ ઉજવીએ.

અંતે મારી પ્રિય પંક્તિઓથી સમાપન કરું …

એક બીડું છે હૃદય ! ચાલ ઉઠાવી લઈએ,
ઈશ પાસેથી જગત આખું પડાવી લઈએ

આ છે ઈર્ષ્યા અને અદેખાઈના દવની દુનિયા
શક્ય હોય ત્યાંથી મહોબ્બતને બચાવી લઈએ.

ખૂબ વ્યાપ્યો છે જગે બુદ્ધિએ સરજેલો પ્રકાશ,
લાગણીના એથી અધિક દીપ જલાવી દઈએ.

– મીતિક્ષા.કોમ પરિવાર
[ હરીશભાઈ, મહાલતાબેન, દક્ષેશભાઈ, અતુલભાઈ, મીતિક્ષાબેન, પ્રીતિબેન, નિતીનભાઈ, પૂજા, વેદ, આકાશ અને અવની ]

20 Comments

દિલમાં દીવો કરો


આજે દીવાળી છે એથી સૌ વાચકોને શુભ દિપાવલી. ચૌદ વરસના વનવાસ પછી રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પધાર્યા તેથી સમગ્ર અયોધ્યામાં દીવા પ્રગટાવવામાં આવ્યા. એ પછી દીવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરિપાટી શરૂ થઈ. પણ આ ગીતમાં ભક્ત કવિ રણછોડ કહે છે કે સાચો દીવો ત્યારે થયો ગણાય જ્યારે દીલનું અંધારું મટી જાય, આત્માની ઓળખ થાય, અને પછી સર્વ સ્થળે ઈશ્વરીય તત્વનો અનુભવ થાય. તો આજે દીવાળી નિમિત્તે દીવા પ્રગટાવીએ અને સાથે સાથે આ પણ યાદ રાખીએ. મને ખૂબ ગમતી આ પ્રાર્થનાની ઓડિયો જો કોઈ મિત્ર પાસે હોય તો મોકલવા વિનંતી જેથી આ સુંદર પ્રાર્થના સૌ સાંભળી શકે.

દિલમાં દીવો કરો રે, દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…

દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…

સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…

દીવો અભણે પ્રગટે એવો, તનનાં ટાળે તિમિરનાં જેવો;
એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…

દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…

– ભક્તકવિ રણછોડ

2 Comments

મને એકલા મળો


તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી શમણું ઊગે
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :

એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઇ આછો થયો
અને સાંજની હવા તે બહાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી

આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

– જગદીશ જોષી

2 Comments